
કચ્છ, 04 એપ્રિલ (હિ.સ.) : નખત્રાણા તાલુકાના દેશલપર ગામે આવેલા લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન-સંસ્કારધામ માટે આ દિવસો ઐતિહાસિક સાબિત થઈ રહ્યા છે. સંસ્થાની સ્થાપનાને 30 વર્ષ પૂર્ણ થતાં આગામી 25થી 27 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ત્રિદશાબ્દિ મહોત્સવ’ ઉજવવાનો આયોજન કરવામાં આવ્યો છે. આ મહોત્સવને સફળ બનાવવા માટે તાજેતરમાં યોજાયેલી વિશાળ સભામાં ભક્તિ અને દાનનો અનોખો માહોલ સર્જાયો હતો.
આ બેઠકમાં કચ્છભરના લક્ષ્મીનારાયણ મંદિરોના અંદાજે 600 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ધાર્મિક ઊર્જાથી ઝળહળી ઉઠ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી, ત્યારબાદ સંસ્થાના આગેવાનો દ્વારા મહોત્સવની વિસ્તૃત રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
સંસ્થાના પ્રમુખ ગંગારામભાઈ રામાણીએ જણાવ્યું હતું કે આ મહોત્સવ દરમિયાન લગભગ રૂ. 12 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન ‘અતિથિભવન’નું લોકાર્પણ કરવામાં આવશે. 70 રૂમ અને આધુનિક ભોજનાલયની સુવિધાઓ ધરાવતું આ ભવન ભવિષ્યમાં યાત્રાળુઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. ઉપરાંત, ત્રિદિવસીય કાર્યક્રમમાં ભવ્ય શોભાયાત્રા, વિષ્ણુયાગ અને સંત-વિદ્વાનોના પ્રવચનો જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.
સભા દરમિયાન દાનનો પ્રવાહ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સંસ્થાના મહામંત્રી ઈશ્વરભાઈ ભાવાણીએ દાન માટે કરેલી અપીલને માત્ર અડધા કલાકમાં જ ભાવિકો તરફથી રૂ. 80 લાખનું યોગદાન પ્રાપ્ત થયું હતું. આ ઘટના ભક્તોની આસ્થા અને સંસ્થાપ્રતિની લાગણીને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે.
સમાજના આગેવાનો ગોપાલભાઈ ભાવાણી અને અશોકભાઈ ભાવાણીએ મહોત્સવને સફળ બનાવવા માટે સૌને તન, મન અને ધનથી જોડાવા પ્રેરણા આપી હતી. ઉપપ્રમુખ કૌશલભાઈ લીંબાણીએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે યુવા સંઘના પ્રમુખ જગદીશભાઈ લીંબાણીએ યુવાનો તરફથી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે સંસ્કાર સંવર્ધન સમિતિના ચેરમેન રતિભાઈ પોકારે સંસ્થાના 30 વર્ષના સફરને ઉજાગર કરતો ‘સ્મૃતિગ્રંથ’ પ્રકાશિત કરવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમનું સંચાલન ઈશ્વરભાઈ ભાવાણીએ સંભાળ્યું હતું અને વિવિધ આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા આપી હતી. આ રીતે દેશલપર ખાતે ભક્તિ, સેવા અને દાનનો સમન્વય જોવા મળ્યો, જે આવનારા મહોત્સવ માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar