પશ્ચિમ કચ્છમાં પવનચક્કીઓમાં કેબલ ચોરીનો પર્દાફાશ: 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝડપાયા
નખત્રાણા, 04 એપ્રિલ (હિ.સ.) : નખત્રાણા–દયાપર વિસ્તારમાં 15 પવનચક્કીઓમાંથી કેબલ ચોરી કરનાર ટોળકી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી.પશ્ચિમ કચ્છ જિલ્લામાં વધતી જતી પવનચક્કીઓમાં કેબલ ચોરીની ઘટનાઓ સામે હવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મોટું એક્શન
Cable Theft


નખત્રાણા, 04 એપ્રિલ (હિ.સ.) : નખત્રાણા–દયાપર વિસ્તારમાં 15 પવનચક્કીઓમાંથી કેબલ ચોરી કરનાર ટોળકી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી.પશ્ચિમ કચ્છ જિલ્લામાં વધતી જતી પવનચક્કીઓમાં કેબલ ચોરીની ઘટનાઓ સામે હવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મોટું એક્શન લીધું છે. નખત્રાણા, નરા અને દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કુલ 15 પવનચક્કીઓમાંથી કોપર કેબલ ચોરી કરનાર ટોળકીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી સમગ્ર ગેંગનો ભાંડો ફોડ્યો છે.

મળતી માહિતી મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ જવાનો આધુનિક ઇન્વેસ્ટિગેશન કીટ સાથે પ્રાઈવેટ વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ટોડિયા ગામના ફાટક પાસે બાતમી મળી કે કેટલાક શખ્સો લાલ રંગની કાર અને ‘છોટા હાથી’ વાહનમાં કોપર વાયર લઈને નખત્રાણા તરફ જઈ રહ્યા છે, જે ચોરીના હોવાની શકયતા છે.

બાતમીના આધારે પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરી અને પાંચ શંકાસ્પદોને ઝડપી પાડ્યા. તેમની પાસે મળેલા કોપર વાયરો અંગે કોઈ બિલ કે પુરાવો રજૂ ન કરી શકતા, પોલીસે કડક પુછપરછ હાથ ધરી. તપાસ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી કે તેઓએ છેલ્લા ત્રણ મહિનામાં નખત્રાણા તાલુકાના નાગવીરી સહિત પાનેલી, દયાપર, જુણાચાય, મણકાવાંઢ, મોટા-નાના વાલ્કા અને મેધપર વિસ્તારમાં આવેલી પવનચક્કીઓના લોકેશન નંબરો પર તાળા તોડી અંદરના અર્થિંગ કેબલ કાપી ચોરી કરી હતી.

આ ટોળકી કોપર કેબલને ઘડાણી ગામની સીમમાં છુપાવી રાખતી અને પછી યોગ્ય સમય મળતાં વેચાણ માટે લઈ જતી હતી. પોલીસે આ ગેંગ પાસેથી કુલ રૂ. 4,05,500ના મુદ્દામાલ કબ્જે કર્યા છે, જેમાં આશરે 500 કિલો કોપર વાયર, ગ્રાઈન્ડર મશીન, સાધનો તેમજ બે વાહનોનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં અસગર ફકીરમામદ ભજાણીયા, આમદ હનિફ નોતિયાર, જકરીયા હાસમ સોતા, નવાબ દિના નોતિયાર અને સુલતાન મામદ કુંભારનો સમાવેશ થાય છે, જ્યારે દાઉદ જાકબ સોતા હજી ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપીઓ સામે BNSSની કલમ 106 હેઠળ મુદ્દામાલ કબ્જે કરીને કલમ 35(1)(ઇ) મુજબ અટકાયત કરી છે. તેમજ નખત્રાણા અને દયાપર પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

આ સફળ ઓપરેશનથી પવનચક્કી પ્રોજેક્ટ્સમાં થતી ચોરીઓ પર અંકુશ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સંભવિત અન્ય સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande