
નવી દિલ્હી, 01 મે (હિ.સ). પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય વિમાન કંપનીઓ માટે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) ના ભાવમાં શુક્રવારે 5 ટકાનો વધારો કર્યો છે. જોકે, સ્થાનિક વિમાન કંપનીઓ માટે એટીએફ ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા દરો લાગુ થઈ ગયા છે.
જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓ અનુસાર, નવી દિલ્હીમાં એટીએફ ની કિંમત 76.55 ડોલર પ્રતિ કિલોલીટર, એટલે કે 5.33 ટકા વધીને 1,511.86 ડોલર પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. વિમાન ઇંધણમાં આ વધારો 1 એપ્રિલના રોજ ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલા ભારે વધારા બાદ કરવામાં આવ્યો છે. ત્યારે તેના દરોમાં 25 ટકાનો વધારો કરીને તેને 1,04,927.18 રૂપિયા પ્રતિ કિલોલીટર કરી દેવામાં આવ્યું હતું.
નિષ્ણાતોનું કહેવું છે કે, વિમાન ઇંધણ એટલે કે એટીએફ ના ભાવમાં સતત બીજા મહિને વધારો કરવામાં આવ્યો છે, કારણ કે જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ હવે વૈશ્વિક ઉર્જા કિંમતોમાં થયેલા ઉછાળાને સુનિયોજિત રીતે ગ્રાહકો પર પસાર કરી રહી છે. એટીએફ ના ભાવમાં ઉછાળો આવવાથી વિમાનોના ભાડામાં વધારો થવાની આશંકા છે. જોકે, સ્થાનિક વિમાનોનું ભાડું હાલમાં વધશે નહીં.
પશ્ચિમ એશિયા સંકટને કારણે વૈશ્વિક ઉર્જા કિંમતોમાં તીવ્ર ઉછાળાને જોતા સરકાર અને સરકારી તેલ કંપનીઓએ ઇંધણના ભાવમાં વધારાને તબક્કાવાર રીતે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઉદ્યોગ જગતના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશી વિમાન કંપનીઓને બજાર ભાવે ઇંધણ મળશે, જ્યારે સ્થાનિક વિમાન કંપનીઓ માટે કિંમતોને નિયંત્રિત રાખવામાં આવી છે. વિમાન ઇંધણની કિંમતોને બે દાયકાથી વધુ સમય પહેલા અંકુશમુક્ત કરવામાં આવી હતી અને ત્યારથી તે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કિંમતોને અનુરૂપ નક્કી કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ