
નવી દિલ્હી, 01 મે (હિ.સ.) રિતેશ દેશમુખની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ 'રાજા શિવાજી' 1 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મની રિલીઝની સાથે જ તેમાં સલમાન ખાનના કૈમિયોની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે, જેને જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ટ્રેલર લોન્ચ દરમિયાન જ આ કૈમિયોનો ખુલાસો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પ્રેક્ષકો તેને જોવાની રાહ જોઈ રહ્યા હતા.
વાયરલ તસવીરોમાં સલમાન ખાનનો લુક ખૂબ જ દમદાર દેખાઈ રહ્યો છે. તેઓ ભગવા રંગના વસ્ત્રો, માથા પર પાઘડી અને કપાળ પર તિલક સાથે જોવા મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, ફિલ્મમાં તેમણે 'જીવા મહાલા'નું પાત્ર ભજવ્યું છે, જેઓ છત્રપતિ શિવાજી મહારાજના વફાદાર અંગરક્ષક અને મરાઠા સેનાના બહાદુર સૈનિક હતા. જોકે ફિલ્મમાં તેમની ભૂમિકા નાની છે, પરંતુ પ્રભાવશાળી હોવાનું કહેવાય રહ્યું છે.
સોશિયલ મીડિયા પર ચાહકો સલમાનના આ લુક અને તેના અભિનયના જોરદાર વખાણ કરી રહ્યા છે. અનેક યુઝર્સનું કહેવું છે કે, તેમણે પોતાના નાના રોલમાં પણ બધી લાઈમલાઈટ મેળવી લીધી છે. ફિલ્મમાં રિતેશ દેશમુખની સાથે જેનિલિયા ડિસોઝા, સંજય દત્ત, અભિષેક બચ્ચન અને વિદ્યા બાલન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ