
હોર્સન્સ (ડેનમાર્ક), નવી દિલ્હી, 01 મે (હિ.સ.): થોમસ કપ 2026ની ક્વાર્ટર ફાઈનલમાં ભારતની બેડમિન્ટન ટીમે ચીની તાઈપેની બેડમિન્ટન ટીમ સામે 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ સરસાઈ ભારતને લક્ષ્ય સેનની શાનદાર જીતથી મળી છે. વિશ્વના 11 નંબરના ખેલાડી લક્ષ્ય સેને પ્રથમ મુકાબલામાં વિશ્વના છઠ્ઠા નંબરના ખેલાડી ચોઉ તિએન ચેનને 18-21, 22-20, 21-17થી હરાવ્યો હતો. આ રોમાંચક મુકાબલો 1 કલાક 28 મિનિટ સુધી ચાલ્યો હતો.
બે મેચ પોઈન્ટ બચાવીને બાજી પલટી
મેચ પહેલા બંને ખેલાડીઓ વચ્ચે હેડ-ટુ-હેડ રેકોર્ડ 4-4થી બરાબર હતો, જોકે તાજેતરના મુકાબલાઓમાં લક્ષ્યનું પલ્લું ભારે રહ્યું હતું. પ્રથમ ગેમમાં લક્ષ્યએ સારી શરૂઆત કરતા 15-10ની સરસાઈ મેળવી હતી, પરંતુ ત્યારબાદ ચોઉએ સતત પોઈન્ટ મેળવીને 21-18થી ગેમ પોતાના નામે કરી લીધી હતી.
બીજી ગેમમાં ચોઉનો દબદબો રહ્યો હતો અને તે 13-7થી આગળ હતો. જોકે લક્ષ્યએ જબરદસ્ત વાપસી કરીને સ્કોર 17-17 કરી દીધો હતો. ચોઉ પાસે બે મેચ પોઈન્ટ પણ હતા, પરંતુ ભારતીય ખેલાડીએ ધીરજ જાળવી રાખીને 22-20થી ગેમ જીતીને મુકાબલો બરાબરી પર લાવી દીધો હતો.
નિર્ણાયક ગેમમાં લક્ષ્યએ શરૂઆતથી જ સરસાઈ મેળવી હતી અને 18-12 સુધી પહોંચી ગયો હતો. ચોઉએ વાપસીનો પ્રયાસ કરીને અંતર ઓછું કર્યું હતું, પરંતુ અંતે લક્ષ્યએ 21-17થી ગેમ અને મેચ પોતાના નામે કરી લીધી હતી.
આગળના મુકાબલા
હવે ભારત સરસાઈને વધુ મજબૂત કરવાના ઈરાદા સાથે ઉતરશે, જ્યાં ડબલ્સ મુકાબલામાં સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીનો સામનો ચિઉ હ્સિયાંગ ચીહ અને વાંગ ચી-લિન સામે થશે.
અન્ય મુકાબલાઓમાં આયુષ શેટ્ટીનો સામનો વિશ્વના 8 નંબરના ખેલાડી લિન ચુન-યી સામે, હરિહરન અમ્સકરુણન અને એમ.આર. અર્જુનની જોડીનો મુકાબલો લિયુ કુઆંગ હેંગ અને યાંગ પો-હ્સુઆન સામે, જ્યારે કિદામ્બી શ્રીકાંતનો સામનો ચી યુ જેન સામે થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ