
અમદાવાદ,25 મે (હિ.સ.) અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગઈમોડી રાત્રે આવેલા રામોલ વન્ડર પોઇન્ટની પાછળ એક યુવકે જાહેરમાં એક તીક્ષ્ણ ટુકડા વડે પોતાના જમણા હાથની નસહાથની નસ કાપીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
રામોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.ડી.મોરીએ ઘટના અંગે સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું કે, મૃતકની ઓળખ ઘનશ્યામ પ્રજાપતિ તરીકે થઈ છે અને તેઓ અપરિણિત હતા. પ્રાથમિક તપાસ અનુસાર, ઘનશ્યામભાઈએ મોડી રાત્રે વન્ડર પોઇન્ટ પાછળ જાહેરમાં કાચના એક તીક્ષ્ણ ટુકડા વડે પોતાના જમણા હાથની નસ કાપી નાખી હતી, જેના કારણે ભારે રક્તસ્ત્રાવ થતાં તેમનું મોત નીપજ્યું હતું.
બીજા દિવસે સવારે સ્થાનિક લોકોએ વન્ડર પોઇન્ટ પાછળ લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ પડેલી જોતાં જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં મૃતકના શવ પાસેથી તેનો મોબાઈલ ફોન અને પાકીટ મળી આવ્યા છે. પોલીસને આત્મહત્યા માટે વપરાયેલો કાચનો ટુકડો પણ નજીકમાંથી જ મળી આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હાલ મૃતક યુવકનો મોબાઈલ ફોન 'લોક' હોવાથી તેની કોલ ડિટેલ્સ કે અન્ય વિગતો જાણી શકાઈ નથી. યુવકે આ પ્રકારનું અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. રામોલ પોલીસે હાલ આત્મહત્યાનો ગુનો નોંધી, યુવકના મોબાઈલને અનલોક કરવા તથા કારણ શોધવા માટે પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ સહિતની આગળની સઘન તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ