નાયસા મેનેજમેન્ટના સુમિત મુત્રેજા સામે એફઆઈઆર, પત્રકાર પર હુમલા મામલે ગરમાયું દમણ
દમણ, 26 મે (હિ.સ.) દમણના કચીગામ સ્થિત નાયસા સુપરપ્લાસ્ટ કંપનીમાં હડતાલનું કવરેજ કરવા ગયેલા “લક્ષ્યવેધ ન્યૂઝ પેપર”ના રિપોર્ટર નિખિલ પંકજ ઝા પર હુમલાનો મામલો હવે ગંભીર બન્યો છે. સમગ્ર ઘટનાને લઈને કંપની મેનેજમેન્ટ સામે FIR નોંધાતા વિસ્તારમાં ભારે ચર્ચ
નાયસા પોલીપ્લાસ્ટ


દમણ, 26 મે (હિ.સ.) દમણના કચીગામ સ્થિત નાયસા સુપરપ્લાસ્ટ કંપનીમાં હડતાલનું કવરેજ કરવા ગયેલા “લક્ષ્યવેધ ન્યૂઝ પેપર”ના રિપોર્ટર નિખિલ પંકજ ઝા પર હુમલાનો મામલો હવે ગંભીર બન્યો છે. સમગ્ર ઘટનાને લઈને કંપની મેનેજમેન્ટ સામે FIR નોંધાતા વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

ફરિયાદ મુજબ, 24 મેની રાત્રે હડતાલ પૂર્ણ થયા બાદ નિખિલ ઝા કંપની બહાર વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા ત્યારે કેટલાક કર્મચારીઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. ત્યારબાદ તેમને કંપની ઓફિસ અંદર લઈ જઈ મારપીટ કરવામાં આવી, મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યો અને વીડિયો-ફોટા ડિલીટ કરાયા હોવાનું FIRમાં નોંધાયું છે.

ઘટના દરમિયાન નિખિલ ઝાએ “લક્ષ્યવેધ”ના એડિટરને ફોન કરી સમગ્ર પરિસ્થિતિની જાણ કરી હતી. માહિતી મળતા જ એડિટર પોતાની ટીમ સાથે નાયસા કંપની પહોંચ્યા હતા. રાત્રે લગભગ 10 વાગ્યે કંપનીમાં બંધક જેવી પરિસ્થિતિમાં રાખવામાં આવેલા નિખિલ ઝાને છોડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એ જ રાત્રે કચીગામ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી.

સૂત્રો મુજબ, બીજા જ દિવસે સમગ્ર ઘટનાની જાણ દમણના SP કેતન બન્સલને કરવામાં આવી હતી. SP કેતન બન્સલે મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક કચીગામ પોલીસ ઇન્ચાર્જને FIR નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

આ ઘટનાને લઈને સ્થાનિક પત્રકાર વર્તુળોમાં SP કેતન બન્સલની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. પત્રકારોનું માનવું છે કે “ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ક્રાઇમ”ની નીતિ હેઠળ થયેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદા કરતા કોઈ મોટું નથી. ઘટનાના સમયે અનેક પત્રકાર મિત્રો કચીગામ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા અને નિખિલ ઝાને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

ફરિયાદમાં કંપની મેનેજમેન્ટ સાથે જોડાયેલા સુમિત મુત્રેજાનું નામ સામે આવ્યું છે. પત્રકાર નિખિલ ઝાનો આક્ષેપ છે કે “સમગ્ર ઘટના સુમિત મુત્રેજાના કહેવા પર બની હતી. હેડની હાજરી વગર સામાન્ય મજૂરો આવી હિંમત કરી શકે નહીં.”

ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે મારપીટ બાદ સુમિત મુત્રેજાએ “કેવી સર્વિસ થઈ?” જેવી ટિપ્પણી કરી હતી, જેને લઈને હવે કંપની મેનેજમેન્ટની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

આ મામલે એક વધુ મહત્વનો પ્રશ્ન એ પણ ઊભો થયો છે કે કંપનીમાં ચાલી રહેલી હડતાલ અંગે શ્રમ વિભાગને અગાઉથી જાણ કેમ નહોતી? શું શ્રમ વિભાગ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે, જેના કારણે મજૂરોને પોતાની સમસ્યાઓ મીડિયા સુધી પહોંચાડવાની ફરજ પડી?મળતી માહિતી મુજબ, હડતાલની જાણકારી કંપનીના જ કેટલાક મજૂરોએ મીડિયા સુધી પહોંચાડી હતી અને મદદ માટે પત્રકારોને સંપર્ક કર્યો હતો.

કચીગામ પોલીસે BNS કલમ 127(2), 115(2), 351(2) તથા 3(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હવે સમગ્ર કેસમાં પોલીસ તપાસ શું નવું બહાર લાવે છે તેના પર સૌની નજર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande