

રાજપીપલા,26 મે (હિ.સ.) નવસારી કૃષિ યુનિવર્સિટી, દેડીયાપાડાના સંયુક્ત ઉપક્રમે દેડિયાપાડા તાલુકાના ખોખરાઉંમર અને ઘનખેતર ગામે “ખાતરના સંતુલિત ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત” વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડો. એમ.વી.તિવારીએ જણાવ્યું હતું કે, “પૃથ્વી આપણી માતા સમાન છે અને તેનું સ્વાસ્થ્ય જાળવવું એ દરેક ખેડૂતનું કર્તવ્ય છે.” તેમણે રાસાયણિક ખેતીના વધતા પ્રભાવથી જમીનની ઉર્વરાશક્તિ અને માનવ આરોગ્ય પર થતી પ્રતિકૂળ અસરો અંગે માહિતી આપી હતી. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે એમ.એલ.વિસાતે ખેડૂતોને ઓર્ગેનિક જંતુનાશકો, વૈકલ્પિક ખાતરો તથા ખાતરના સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખેતી ખર્ચ ઘટાડીને જમીનની ગુણવત્તા જાળવવા માટે સંતુલિત પોષણ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવ્યું હતું.
તદુપરાંત ગ્રામસેવક બેનએ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જમીન પરીક્ષણના આધારે ખાતરનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
કાર્યક્રમ અંતે ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં ખેતી સંબંધિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવ્યા હતા. ખેડૂતો દ્વારા કાર્યક્રમને ઉપયોગી અને માર્ગદર્શક ગણાવી આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ