હરિદ્વાર યાત્રાના નામે લાખોની છેતરપીંડી : મુખ્ય માસ્ટરમાઈન્ડને આદિપુર પોલીસે ઝડપી પાડ્યો
કચ્છ, 26 મે (હિ.સ.) : પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન હરિદ્વાર યાત્રાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપીંડી આચરનાર ગેંગના મુખ્ય સૂત્રધારને આદિપુર પોલીસે ઝડપી પાડતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. યાત્રાળુઓની ધાર્મિક લાગણીઓનો લાભ લઈ આરોપીઓએ આદિપુરમાં ઓફિસ
છેતરપિંડી કેસનો આરોપી


કચ્છ, 26 મે (હિ.સ.) : પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન હરિદ્વાર યાત્રાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપીંડી આચરનાર ગેંગના મુખ્ય સૂત્રધારને આદિપુર પોલીસે ઝડપી પાડતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. યાત્રાળુઓની ધાર્મિક લાગણીઓનો લાભ લઈ આરોપીઓએ આદિપુરમાં ઓફિસ શરૂ કરી હરિદ્વાર યાત્રા માટે આકર્ષક જાહેરાતો પ્રસિદ્ધ કરી હતી. જાહેરાતોથી પ્રભાવિત થઈ અનેક લોકોએ યાત્રામાં જોડાવા માટે બુકિંગ રકમ જમા કરાવી હતી.

શરૂઆતમાં સંચાલકો દ્વારા યાત્રાની તૈયારીઓ ચાલી રહી હોવાનું જણાવી લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા, પરંતુ સમય પસાર થવા છતાં યાત્રા અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહોતી. યાત્રિકોએ ઓફિસ ખાતે પહોંચીને તપાસ કરતા ઓફિસ બંધ હાલતમાં મળી આવી હતી અને સંચાલકો પણ ગાયબ થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોતાને છેતરાયા હોવાનો અહેસાસ થતા અનેક યાત્રિકોએ આદિપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે આદિપુર પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. પૂર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા વિશેષ દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા. અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.સી. વાળા અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તથા ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન ચેતનકુમાર અશોકભાઈ લખવારા નામના આરોપીની સંડોવણી સામે આવી હતી. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે રહેતા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ મતે આ સમગ્ર છેતરપીંડી પાછળ આરોપી મુખ્ય માસ્ટરમાઈન્ડ તરીકે કાર્યરત હતો અને વધુ લોકો તેની જાળમાં ફસાયા હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આદિપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૮(૪), ૫૪ અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હવે આરોપીના અન્ય સાગરિતો તથા છેતરપીંડીના નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande