


કચ્છ, 26 મે (હિ.સ.) : ભુજ શહેરના લોટસ કોલોની વિસ્તારમાં આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની વિશેષ ઝુંબેશ હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ, ભુજ નગરપાલિકા, મામલતદાર કચેરી તેમજ ભાડા (BHADA)ના અધિકારીઓ સંયુક્ત રીતે મોટી ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. કામગીરી માટે જેસીબી અને બુલડોઝર સહિતના ભારે મશીનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
કાર્યવાહી શરૂ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા. કેટલાક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે વર્ષોથી તેઓ ત્યાં વસવાટ કરી રહ્યા છે અને અચાનક દબાણ હટાવવાની કાર્યવાહી કરાતા લોકોમાં રોષ ફેલાયો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો બુલડોઝરની સામે ઊભા રહી કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ થોડાક સમય માટે તંગ બની ગઈ હતી.
પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે સમજાવટનો પ્રયાસ કર્યો છતાં વિરોધ યથાવત રહેતાં અંતે બે મહિલા સહિત ત્રણ લોકોને અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ તંત્રએ દબાણ હટાવવાની કામગીરી આગળ વધારી હતી અને સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી.
આ સમગ્ર ઓપરેશન દરમિયાન વિસ્તારમાં ભારે પોલીસ હાજરી જોવા મળી હતી, જેના કારણે લોકોમાં ઉત્સુકતા સાથે તણાવનું વાતાવરણ સર્જાયું હતું. તંત્રના અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે અને કાયદાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar