
સુરત, 26 મે (હિ.સ.): શહેરનાં ઉમરવાડા ખાતે આવેલ ગાંધીનગર ઝુંપડપટ્ટીમાં પોલીસ દ્વારા દરોડો પાડીને ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ હાલમાં સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરનાં સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઉમરપાડા ખાતે ગાંધીનગર ઝુંપડપટ્ટીમાં 61 વર્ષીય મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે કાલુ ટારઝન નૂરમોહમ્મદ મીઠાવાલા નામક 61 વર્ષીય વૃદ્ધ છેલ્લા કેટલાક સમયથી ગાંજાના છુટ્ટક વેચાણ કરી રહ્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસને બાતમી મળતાં પોલીસ દ્વારા કાલુ ટારઝનનાં ઘર પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે આસપાસનાં રહેવાસીઓમાં પણ એક તબક્કે ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ દ્વારા આરોપીનાં ઘરની તલાસી લેતા ઘરમાંથી 917.38 ગ્રામ ગાંજાનાં જથ્થા સાથે વજન કાંટો અને પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. પોલીસ દ્વારા કુલ્લે 46 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે આસપાસનાં વિસ્તારમાં ગાંજાનું છુટ્ટક વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે