
વલસાડ,26 મે (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે પ્રોહિબિશન વિરોધી કાર્યવાહી દરમિયાન મોટી સફળતા મેળવી છે. મહીન્દ્રા બોલેરો પીકઅપમાં માટીના કાચા કુંડાની આડમાં ચોરી છુપીથી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ.6.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ તથા એલસીબી પીઆઈ એ.યુ. રોઝની સૂચના મુજબ એલસીબી ટીમ પ્રોહી ગુનાઓ અંગે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ધમડાચી ગામ તરફ જવાના ગેટ પાસે નેશનલ હાઇવે નં.48ના સર્વિસ રોડ પરથી સફેદ કલરની મહીન્દ્રા બોલેરો પીકઅપ નંબર GJ-06-AZ-5188ને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પીકઅપમાં માટીના કુંડાની આડમાં છુપાવવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની 45 પેટીમાંથી કુલ 1320 બોટલ (506 લીટર) કિંમત રૂ.3.40 લાખ, બોલેરો પીકઅપ કિંમત રૂ.3 લાખ, એક મોબાઇલ ફોન તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.6.45 લાખનો જથ્થો કબ્જે કર્યો હતો.
આ મામલે પ્રવિણકુમાર હનુમાનરામ બિશ્નોઇ (ઉ.વ.23), રહે. આમલી, તા. ચીતલવાના, જી. ઝાલોર (રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે “આર.કે.” નામના વ્યક્તિ સહિત બે અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર કામગીરી પો.સ.આઈ. જે.બી. ધનેશા, આ.હે.કો ઓમપ્રકાશ રણબહાદુર સિંહ, રજનીકાંત રમેશભાઈ, અ.પો.કો નિતીન બાબુલાલ અને પંકજ રૂપાભાઈની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha