
પાટણ, 26 મે (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નંબર 9ના રાધનપુરી વાસ, પીપળીવાસ, દાંતલા મહોલ્લો અને હનુમાન ચકલા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટર અને ગંદા પાણીની ગંભીર સમસ્યા યથાવત છે. પીવાના પાણીમાં ગટરનું પ્રદૂષિત પાણી ભળી આવતાં સ્થાનિકોના આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. અનેક રજૂઆતો છતાં નગરપાલિકાના વોટર વર્ક્સ અને ભૂગર્ભ શાખા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
રાધનપુરી વાસના રહીશોએ આક્ષેપ કર્યો છે કે ગટરનું ગંદુ પાણી ઘરોમાં ઘૂસી રહ્યું છે અને અસહ્ય દુર્ગંધને કારણે રહેવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા 10 દિવસથી સતત ફરિયાદો કરવા છતાં તંત્રનો કોઈ અધિકારી સ્થળ પર તપાસ માટે આવ્યો નથી. ગરમીના દિવસોમાં ગંદકી અને દુર્ગંધથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીવાનું પાણી પણ ગટર જેવું ગંદુ આવી રહ્યું છે, જેના કારણે પાણી લાંબા સમય સુધી વહાવી દીધા બાદ જ થોડું વપરાશલાયક પાણી મળે છે. લોકોને પીવા અને દૈનિક ઉપયોગ માટે શુદ્ધ પાણી મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, છતાં તંત્ર દ્વારા સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.
સ્થાનિક કોર્પોરેટર દિનેશ પટણીએ જણાવ્યું કે 7 મહિના પહેલા ગટર લાઇન બદલાઈ હોવા છતાં હાલ પણ ગટર લાઈનો ઉભરાઈ રહી છે. મોતીસા ચોકના મહાદેવ મંદિર અને જકાતનાકા નજીક ગંદુ પાણી ભરાતા લોકોમાં રોષ ફેલાયો છે. ગટરના પાણી વચ્ચે વીજ વાયરો હોવાના કારણે શોર્ટ સર્કિટ અને જાનહાનિનો ભય પણ ઉભો થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ