વાપી કચ્છી માર્કેટમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે પોલીસ લોકદરબાર યોજાયો
વાપી, 26 મે (હિ.સ.) વાપી જીઆઈડીસી ચાર રસ્તા ખાતે આવેલ કન્ઝ્યુમર મર્ચન્ટ એસોસિએશન (કચ્છી માર્કેટ)ના ઉપક્રમે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પોલીસ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા વાપી ટ્રાફિક પોલીસ વિભા
લોક દરબાર


વાપી, 26 મે (હિ.સ.) વાપી જીઆઈડીસી ચાર રસ્તા ખાતે આવેલ કન્ઝ્યુમર મર્ચન્ટ એસોસિએશન (કચ્છી માર્કેટ)ના ઉપક્રમે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પોલીસ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા વાપી ટ્રાફિક પોલીસ વિભાગના પીઆઈ ડી.વી. કાલાણીએ વેપારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સહયોગ આપવા અપીલ કરી હતી.

પીઆઈ કાલાણીએ જણાવ્યું હતું કે અનેક વેપારીઓ દુકાનની બહાર ફૂટપાથ અને રસ્તા પર માલસામાન મૂકે છે તેમજ બોર્ડ લગાવે છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ગંભીર બને છે. વેપારીઓએ પોતે જ જાગૃત બની દુકાન બહાર માલ ન મુકવો જોઈએ. સાથે જ પીક અવર્સ દરમિયાન માર્કેટમાં ટેમ્પો, ટ્રક અને નાના માલવાહક વાહનો ન લાવવા અને બપોરે ૨ થી ૪ દરમિયાન ગ્રાહકોની અવરજવર ઓછી હોય ત્યારે જ ડિસ્ટ્રીબ્યુટર વાહનો માર્કેટમાં આવે તેવી વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ગ્રાહકોને પણ પોતાના વાહનો ગમે ત્યાં પાર્ક ન કરવા અને નિર્ધારિત સ્થળે જ પાર્કિંગ કરવા સૂચના આપવામાં આવી હતી. માર્કેટમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે સિક્યુરિટી ગાર્ડ અને વોચમેનની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ લોકદરબારમાં કચ્છી માર્કેટ એસોસિએશનના હોદ્દેદારો અવિનાશ ગોવડા ઉર્ફ બાબુ ભાઈ, કનૈયાભાઈ માલી, ખેરાજભાઈ ભાનુશાલી, સુભાષભાઈ ભાનુશાલી, પ્રવીણભાઈ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વર્ષ ૨૦૦૨માં શરૂ થયેલ કચ્છી માર્કેટ આજે વાપી જીઆઈડીસી ચાર રસ્તાથી વાઇબ્રન્ટ માર્કેટ સુધી ફેલાયેલું છે, જ્યાં ૪૦૦થી વધુ હોલસેલ દુકાનો અને ૬૦૦થી વધુ વેપારીઓ વ્યવસાય કરે છે. એસોસિએશનમાં અંદાજે ૨૮૦ વેપારીઓ નોંધાયેલા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande