
ભીલાડ, 30 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ IPL ક્રિકેટ મેચો પર ઓનલાઇન સટ્ટાબાજી ચલાવતાં એક ઇસમને ઝડપી પાડી તેની પાસેથી મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ ₹13,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે દરમિયાન LCBના આ.હે.કો. ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહને મળેલી બાતમીના આધારે ભિલાડના ટાવર ફળીયા વિસ્તારમાં પ્રેસ્ટીઝ ટાવર સામે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન કુણાલ અરવિંદભાઈ કહાર (ઉ.વ. 30), રહે. સરીગામ કહારવાડને હાલ ચાલી રહેલી IPL મેચો પર ઓનલાઇન સટ્ટાબાજીની આઇડી મારફતે હારજીતનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ₹5,000 કિંમતનો મોબાઇલ ફોન, ₹8,500 રોકડ તેમજ સટ્ટાબાજીની આઇડીના સ્ક્રીનશોટ કબજે કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં સટ્ટાબાજી માટે માસ્ટર આઇડી આપનાર, આઇડી લેનાર તેમજ મેચો પર સોદા લખાવનાર સહિત અનેક વ્યક્તિઓના નામ સામે આવ્યા છે. પોલીસે આ તમામ વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ મામલે એલસીબીના આ.હે.કો. ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જી. વસાવા અને સ્ટાફની ટીમે સફળતાપૂર્વક અંજામ આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha