
અતુલ, 30 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના અતુલ સ્થિત અતુલ લિમિટેડ કોમ્પ્લેક્સના ‘ધ કોર્ટયાર્ડ’ ખાતે બીસેફ ગુજરાત ટીમ દ્વારા “બીબીએસ (Behaviour Based Safety) સંસ્કૃતિની ગુણવત્તામાં સુધારો” વિષયક રાજ્યસ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત અને આસપાસના વિવિધ ઉદ્યોગોના આશરે 75 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ભારતના “વ્યવહાર આધારિત સુરક્ષા” (BBS) ક્ષેત્રના અગ્રણી નિષ્ણાત અને ફોરમ ઓફ બિહેવિયરલ સેફ્ટીના સ્થાપક નિયામક ડૉ. એચ.એલ. કૈલાએ હાજરી આપી હતી. તેમણે BBS ની કાર્યપદ્ધતિ, સુરક્ષા સંસ્કૃતિમાં તેના મહત્વ અને તેના લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
અતુલ લિમિટેડના પૂર્ણકાલીન ડિરેક્ટર અને ઓક્યુપાયર વિવેક ગાડરેએ પોતાના મુખ્ય સંબોધનમાં ઉત્પાદન ઉદ્યોગોમાં સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે અતુલ લિમિટેડમાં અમલમાં રહેલી વ્યવહાર આધારિત સુરક્ષા સંસ્કૃતિથી પ્રાપ્ત થયેલા સકારાત્મક પરિણામોની પણ ચર્ચા કરી હતી.
કાર્યક્રમમાં અતુલ લિમિટેડ, આરતી ઇન્ડસ્ટ્રીઝ, કોરોમંડલ ઇન્ટરનેશનલ, થર્મેક્સ, અપાર ઇન્ડસ્ટ્રીઝ સહિત વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ તેમજ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સિલવાસાના સભ્યોએ ભાગ લીધો હતો. ઉપસ્થિત પ્રતિનિધિઓએ BBS અમલીકરણ દરમિયાન આવેલા પડકારો, અનુભવ અને સુરક્ષા ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સમાપન સત્રમાં ડૉ. એચ.એલ. કૈલાએ દિવસભરના સેમિનારના મુખ્ય તારણો અને સુરક્ષા શ્રેષ્ઠતા માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં અતુલ લિમિટેડના સેફ્ટી અને એલ એન્ડ ડી વિભાગ, હૃદય દેસાઈ (વાઇસ પ્રેસિડેન્ટ-ઈએચએસ એશ્યોરન્સ), સરવનન (વાઇસ પ્રેસિડેન્ટ-મેન્યુફેક્ચરિંગ) તેમજ બીસેફ ગુજરાત ચેપ્ટરની ટીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha