
અમદાવાદ,06 મે (હિ.સ.) ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા અને બાદમાં તપાસમાં જોડાએલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર સામૂહિક ઝેર આપવાના લક્ષ્ય સાથે જેહાદી બાયો-ટેરરિઝમ કાવતરામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
મુખ્ય આરોપી હૈદરાબાદ સ્થિત ડો. સૈયદ અહેમદ મોહિયુદ્દીન અને ઉત્તર પ્રદેશના અન્ય બે સહ-આરોપીઓ આઝાદ અને મોહમ્મદ સુહેલ વિરુદ્ધ અમદાવાદ સ્થિત એનઆઈએ ની સ્પેશિયલ કોર્ટમાં UAPA એક્ટ, BNS અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એરંડાના બીજમાંથી સાઇનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ કરી મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો.
વિદેશ સ્થિત ISIS હેન્ડલર્સના માર્ગદર્શન હેઠળ કાર્ય કરતા આરોપીઓએ હેન્ડલર્સ મારફતે કટ્ટરપંથી બનેલા યુવાનોની ભરતી કરવા અને ગેરકાયદેસર હથિયારો તથા જૈવિક ઝેરથી આતંકવાદીઓએ આતંક ફેલાવવાનું આયોજન કર્યું હતું. તેઓએ ISISના નાપાક એજન્ડાને પાર પાડવા માટે કેમિકલનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું હતું. આ કેમિકલ એ એરંડાના બીજમાં કુદરતી રીતે જોવા મળતું એક શક્તિશાળી જૈવિક ઝેર છે, જે કેમિકલ વેપન્સ કન્વેન્શનના શેડ્યૂલ-Iમાં સૂચિબદ્ધ છે.
આ કેસ મૂળરૂપે ગુજરાત એટીએસ દ્વારા નોંધાવ્યો હતો. નવેમ્બર 2025માં ચીનથી MBBS થયેલા ડો. મોહિયુદ્દીનની એક ટોલ પ્લાઝા પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની કારમાંથી ગેરકાયદેસર હથિયારો, 4 લિટર એરંડાનું તેલ ધરાવતી બોટલ અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી હતી. ATSની તપાસ બાદ તે જ દિવસે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે, આઝાદ અને સુહેલે રાજસ્થાનના હનુમાનગઢમાં ડેડ-ડ્રોપ સાઇટ પરથી પૈસા અને ગેરકાયદેસર હથિયારો મેળવ્યા હતા. આ સામાન તેઓએ મોહિયુદ્દીન માટે ગુજરાતના છત્રાલ ખાતે નિર્ધારિત સ્થળે પહોંચાડ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ