
વોશિંગ્ટન, નવી દિલ્હી, 06 મે (હિ.સ.) : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને હાલ પૂરતું સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. આ મિશન હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટે હતું. ટ્રમ્પે પાકિસ્તાન અને અન્ય દેશો તરફથી મળેલી વિનંતીઓને ટાંકીને આ નિર્ણય લીધો હતો. જોકે, ઈરાનના બંદરોની નૌકાબંધી યથાવત રહેશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલા વેપારી જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે શરૂ કરવામાં આવેલા 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને થોડા સમય માટે રોકવાની જાહેરાત કરી છે. પરંતુ ઈરાનના બંદરોની નૌકાબંધી અગાઉની જેમ જ ચાલુ રહેશે.
અમેરિકન રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ માહિતી શેર કરતા કહ્યું છે કે, પાકિસ્તાન અને અન્ય દેશોની વિનંતી પર અને ઈરાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા અભિયાનમાં આપણી સેનાને મળેલી જબરદસ્ત સફળતાને જોતા—સાથે જ એ વાતને ધ્યાનમાં રાખતા કે ઈરાનના પ્રતિનિધિઓ સાથે એક પૂર્ણ અને અંતિમ સમજૂતીની દિશામાં ઘણી પ્રગતિ થઈ છે—અમે પરસ્પર સહમતિથી એ નક્કી કર્યું છે કે, 'પ્રોજેક્ટ ફ્રીડમ' (હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જહાજોની અવરજવર) ને થોડા સમય માટે રોકી દેવામાં આવશે. જોકે નાકાબંધી સંપૂર્ણ રીતે લાગુ રહેશે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી જોઈ શકાય કે તે સમજૂતી અંતિમ સ્વરૂપ લઈ શકે છે અને તેના પર હસ્તાક્ષર થઈ શકે છે કે નહીં.
ટ્રમ્પે રવિવારે આ પ્રોજેક્ટની જાહેરાત કરતા કહ્યું હતું કે વિશ્વભરના દેશોએ પોતાના જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે અમેરિકા પાસે મદદ માંગી હતી. ત્યારબાદ સોમવારે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે આ ઓપરેશન શરૂ કર્યું હતું.
ખાસ વાત એ છે કે, અમેરિકા આ ઓપરેશન હેઠળ સોમવારે બે અને મંગળવારે માત્ર એક જ જહાજ સુરક્ષિત રીતે બહાર કાઢી શક્યું હતું. જ્યારે ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયેલનો સંઘર્ષ શરૂ થયો તે પહેલા હોર્મુઝમાંથી દરરોજ સરેરાશ 125 જહાજો પસાર થતા હતા. અમેરિકાની આ ઝુંબેશથી નારાજ ઈરાને ચેતવણી આપી હતી કે તેની પરવાનગી વિના કોઈ પણ જહાજ આ રસ્તેથી પસાર થઈ શકશે નહીં. ત્યારબાદ ઈરાને હોર્મુઝમાં દક્ષિણ કોરિયાના એક જહાજ પર હુમલો કર્યો હતો. સાથે જ યુએઈ પર મિસાઈલ હુમલા પણ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ