
નવી દિલ્હી, 09 મે (હિ.સ). પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) અને અટલ પેન્શન યોજના (એપીવાય) એ દેશભરના નાગરિકોને સામાજિક સુરક્ષા કવચ પૂરું પાડવાના 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ યોજનાઓ હેઠળ અત્યાર સુધીમાં 58 કરોડ (પીએમએસબીવાય), 27 કરોડ (પીએમજેજેબીવાય) અને 9 કરોડ (એપીવાય) લોકોની નોંધણી થઈ ચૂકી છે.
નાણા મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજનાઓની કલ્પના દરેકને, ખાસ કરીને સમાજના વંચિત અને નબળા વર્ગોને સસ્તું નાણાકીય રક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. આ જન સુરક્ષા યોજનાઓ 9 મે 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે કરોડો નાગરિકોને વીમા અને પેન્શનનું કવચ પ્રદાન કરી રહી છે.
ભારત સરકારની અગ્રણી સામાજિક સુરક્ષા યોજનાઓમાં સામેલ આ ત્રણેય મુખ્ય યોજનાઓનો ઉદ્દેશ્ય નાગરિકોને જીવનની અનિશ્ચિતતાઓથી સુરક્ષા પ્રદાન કરીને અને લાંબા ગાળાની નાણાકીય મજબૂતીને પ્રોત્સાહન આપીને, વીમા અને પેન્શનના વ્યાપને વિસ્તારવાનો છે. આ ત્રણેય સરકારી સહાયિત કાર્યક્રમો જીવન વીમો, અકસ્માત કવરેજ અને નિવૃત્તિ પેન્શનની સુવિધા આપે છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ યોજનાઓ વિશે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓછી કિંમતે વીમા અને પેન્શન લાભો પ્રદાન કરવા માટે 'જન સુરક્ષા' યોજનાઓની શરૂઆત કરી હતી, જેમાં પીએમજેજેબીવાય, પીએમએસબીવાય અને એપીવાય નો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 27 કરોડથી વધુ, પીએમ સુરક્ષા વીમા યોજનામાં 58 કરોડ અને અટલ પેન્શન યોજના હેઠળ 9 કરોડ નોંધણી કરવામાં આવી છે. સીતારમણે કહ્યું કે, પીએમજેજેબીવાય યોજના હેઠળ 10.7 લાખથી વધુ પરિવારો માટે 21 હજાર 500 કરોડ રૂપિયાથી વધુના દાવાઓની પતાવટ કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણા મંત્રીએ કહ્યું કે, પીએમએસબીવાય હેઠળ 1.84 લાખથી વધુ પરિવારોના લગભગ 3,660 કરોડ રૂપિયાના દાવાઓની પતાવટ કરવામાં આવી છે. સીતારમણે બેંકો અને વીમા કંપનીઓના ફિલ્ડ ઓફિસરો સહિતના તમામ હિતધારકોની પ્રશંસા કરી, જેમના સમર્પિત પ્રયાસોથી આ યોજનાઓ આટલી સફળ થઈ શકી છે.
આ પ્રસંગે કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ યોજનાઓનો ઉદ્દેશ્ય અત્યંત ગરીબ લોકોને વીમા કવરેજ અને પેન્શન સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાઓનું એક મુખ્ય કેન્દ્રબિંદુ નોંધણી અને દાવાની પ્રક્રિયાનું ડિજિટલાઇઝેશન અને સરળીકરણ રહ્યું છે.
ચૌધરીએ એ વાત પર ભાર મૂક્યો કે, ઓનલાઈન 'જન સુરક્ષા પોર્ટલ' ના લોન્ચ થવાથી નાગરિકો માટે બેંક શાખાઓ કે પોસ્ટ ઓફિસોમાં ગયા વિના સરળતાથી નોંધણી કરાવવું શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે, દાવાની પ્રક્રિયાને ડિજિટલ બનાવવાથી તેની પતાવટ ઝડપથી સુનિશ્ચિત થઈ છે, જેનાથી શોકગ્રસ્ત પરિવારોને તે સમયે સમયસર સહાય મળી રહે છે, જ્યારે તેમને તેની સૌથી વધુ જરૂર હોય છે.
-----------
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ