
સુરત, 13 જૂન (હિ.સ.): શહેરના રાંદેરના ઉગત વિસ્તારમાં એક ચોંકાવનારો અને જીવ અધ્ધર કરી દેતો કિસ્સો સામે આવ્યો છે.અહીં પાલિકાના ફાયર વિભાગમાં જ ફરજ બજાવતા એક જવાનનો 5 વર્ષનો માસૂમ પુત્ર ઘરની સ્લાઇડિંગ બારી અને લોખંડની ગ્રીલ વચ્ચેના સાંકડા ગેપમાં ફસાઈ ગયો હતો.એટલું જ નહીં, જે રૂમમાં બાળક ફસાયો તેનો દરવાજો પણ અંદરથી લોક થઈ જતાં પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા અને ભારે દોડધામ મચી ગઈ હતી.આ પરિસ્થિતિ વચ્ચે મદદ માટે ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ બાળકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાંદેરના ઉગત વિસ્તારમાં શ્રીજી નગરી પાછળ આવેલા રાજ દર્શન સોસાયટીમાં પહેલા માળે રહેતા મેહુલભાઈ ચાવડા સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં જવાન તરીકે ફરજ બજાવે છે.દરમ્યાન ગઈ કાલે તેમનો 5 વર્ષનો પુત્ર પ્રિયાંશ ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો.રમતા-રમતા માસૂમ પ્રિયાંશ સ્લાઇડિંગ બારીમાંથી બહારની તરફ આવેલી લોખંડની સુરક્ષા ગ્રીલના ગેપમાં ચાલ્યો ગયો હતો. આ દરમિયાન અચાનક સ્લાઇડિંગ બારી બંધ થઈને લોક થઈ ગઈ હતી.ગ્રીલ અને બારી વચ્ચેના સાંકડા ગેપમાં ફસાઈ ગયેલો માસુમ ગભરાઈ ગયો હતો અને તેણે રડવાનું શરૂ કર્યું હતું.બાળકના રડવાનો અવાજ સાંભળીને પરિવારના સભ્યો દોડી આવ્યા હતા.પરંતુ મુશ્કેલી એ હતી કે જે રૂમની બારીમાં બાળક ફસાયો હતો, તે રૂમનો મુખ્ય દરવાજો પણ અંદરથી લોક હતો. બાળક અત્યંત નાનું હોવાથી તે અંદરથી દરવાજો ખોલી શકે તેમ નહોતું. એક તરફ માસૂમ બાળક બહાર ગ્રીલમાં ફસાયેલું હતું અને બીજી તરફ રૂમ બંધ હોવાથી પરિવાર ભારે ચિંતામાં મુકાયો હતો અને ઘરમાં ચીસાચીસ થઈ ગઈ હતી.આ પરિસ્થિતિમાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને રાંદેર ફાયર સ્ટેશનના લાશ્કરો કાફલા સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરના જવાનોએ સમય સૂચકતા વાપરીને સૌથી પહેલા રૂમના લોક દરવાજાને જોરદાર ધક્કો મારીને તોડી નાખ્યો હતો અને રૂમમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ સાવચેતીપૂર્વક સ્લાઇડિંગ બારીને ખોલીને ગ્રીલ વચ્ચે ફસાયેલા માસૂમ પ્રિયાંશને હેમખેમ બહાર કાઢી લીધો હતો.બાળક સુરક્ષિત બહાર આવતા જ છેલ્લા કેટલાય સમયથી શ્વાસ અધ્ધર કરીને બેઠેલા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો અને ફાયરની ટીમનો આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે