
જામનગર, 13 જૂન (હિ.સ.) : જામનગરમાં ટ્રક ચીટિંગના ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આરોપીને જામનગર LCBએ ઝડપી પાડ્યો છે. ચોટીલા નજીક હાઈવે પરથી આરોપી જગા મોરીને દબોચી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ જિલ્લાના વણઉકેલાયેલા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. આ અંતર્ગત LCBના પીઆઈ વી.બી. ચૌધરીને કડક સૂચનાઓ અપાઈ હતી. LCBના પીએસઆઈ એમ.વી. ભાટીયા અને તેમની ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સેલની મદદથી તપાસ શરૂ કરી હતી.
આ તપાસ દરમિયાન LCB સ્ટાફના રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર અને હિતેન્દ્રસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ટ્રક ચીટિંગના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી જગાભાઈ સુકાભાઈ ઉર્ફે સુખાભાઈ મોરી (રહે. બુખબરાનેશ, હનુમાન મંદિર પાસે, તા. રાણાવાવ, જી. પોરબંદર, હાલ રહે. લધાધારનેશ, ખંભાળાગામની બાજુમાં, તા. રાણાવાવ) રાજકોટ-અમદાવાદ હાઈવે પર હોવાની માહિતી હતી.
આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ચોટીલા પહેલા આવેલી 'આવળકૃપા હોટલ' નજીકથી આરોપી જગા મોરીને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપી વિરુદ્ધ LCB સ્ટાફના દિલીપભાઈ તલાવડીયાએ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગુનાની વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે તેને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી LCB પી.આઈ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા સમગ્ર LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt