
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) નિર્દેશક ઇમ્તિઆઝ અલીની ચર્ચિત ફિલ્મ 'મૈં વાપસ આઉંગા' આ દિવસોમાં દર્શકો અને સમીક્ષકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.
તાજેતરમાં ઇમ્તિઆઝે ફિલ્મની કહાણી અંગે ખુલીને વાત કરતાં જણાવ્યું કે, આ ફિલ્મ ભારત-પાકિસ્તાન વિભાજન સાથે જોડાયેલી વાસ્તવિક ઘટનાઓ અને માર્મિક કિસ્સાઓથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં આ વિષય પર ફિલ્મ બનાવવાની તેમની કોઈ યોજના નહોતી, પરંતુ 'અમર સિંહ ચમકીલા' પર કામ કરતી વખતે તેમને વિભાજન સાથે જોડાયેલા, કેટલાક એવા અનુભવો સાંભળવા મળ્યા, જેમણે તેમને ઊંડે સુધી પ્રભાવિત કર્યા અને એમાંથી જ આ ફિલ્મનો જન્મ થયો.
ઇમ્તિઆઝે ફિલ્મમાં દિલજીત દોસાંઝને, મુખ્ય ભૂમિકા આપવાની પાછળનું કારણ પણ શેર કરતા જણાવ્યું કે, અભિનેતા શાહરૂખ ખાને એકવાર દિલજીતની પ્રશંસા કરતાં તેમને દેશના સૌથી ઉત્તમ અભિનેતાઓમાંના એક ગણાવ્યા હતા. આ વાતે તેમનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો કે,દિલજીત આ પાત્ર માટે સંપૂર્ણપણે યોગ્ય છે. 'અમર સિંહ ચમકીલા' પછી આ ઇમ્તિઆઝ અને દિલજીતની બીજી ફિલ્મ છે.
નિર્દેશકે સંકેત આપ્યો કે, દિલજીત હવે એવા કલાકારોમાં સામેલ થઈ ગયા છે, જેમની સાથે તેઓ વારંવાર કામ કરવાનું પસંદ કરે છે.
તેમ છતાં ફિલ્મની બોક્સ ઓફિસ પર શરૂઆત તુલનાત્મક રીતે ધીમી રહી, પરંતુ તેની સંવેદનશીલ કહાણી, ભાવનાત્મક રજૂઆત અને ઇતિહાસને ઈમાનદારીથી પડદા પર ઉતારવાના પ્રયાસની ખૂબ પ્રશંસા થઈ રહી છે. દર્શકો અને સમીક્ષકોનું માનવું છે કે 'મૈં વાપસ આઉંગા' માત્ર એક પ્રેમકથા નથી, પરંતુ વિભાજનના દુઃખ, વિયોગ અને આશાની એક માર્મિક દાસ્તાન છે, જેણે લોકોનાં દિલોને સ્પર્શી લીધા છે.
હિંદુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ