
નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીબીસીઆઈ) એ રવિવારે ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 15 સભ્યોની ટીમમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની વાપસી થઈ છે. જોકે, ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ જ, તે આ શ્રેણીમાં ભાગ લઈ શકશે.
કોહલીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 ની ફાઇનલમાં હેમસ્ટ્રિંગની ઇજા થઈ હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.
ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ વનડે ટીમમાં પરત ફર્યો છે. બુમરાહ છેલ્લે 2023 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમ માટે 50 ઓવરની ક્રિકેટ રમ્યો હતો. આ સિવાય ઓલરાઉન્ડર અક્ષર પટેલનો પણ વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અક્ષર અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં ટીમનો ભાગ નહોતો.
અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડે મેચમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલને, આ શ્રેણીમાં તક મળી નથી. યશસ્વીએ ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે અણનમ 110 રન બનાવ્યા હતા. કોહલીના ઇજાગ્રસ્ત થવા પર જ યશસ્વીની અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. હવે ઇંગ્લેન્ડ સામે કોહલીની વાપસી બાદ તેને ટીમમાં સ્થાન મળ્યું નથી.
ભારતની વનડે ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી (ફિટનેસ ક્લિયરન્સને આધીન), શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર.
ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ પાંચ ટી-20 અને ત્રણ વનડે મેચ રમશે. ટી-20 ટીમની જાહેરાત અગાઉ જ થઈ ચૂકી છે. ટી-20 શ્રેણી 1 જુલાઈથી શરૂ થશે. ત્યારબાદ 14 જુલાઈથી વનડે શ્રેણી રમાશે.
બીસીસીઆઈએ એ પણ જણાવ્યું કે, સ્પિનર વરુણ ચક્રવર્તીને આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ચક્રવર્તી આઈપીએલ 2026 દરમિયાન ડાબા પગમાં ઈજા થયા બાદ બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સમાં તેના રિહેબના અંતિમ તબક્કામાં છે.
આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે ભારતની અપડેટેડ ટીમ: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી, પ્રસિદ્ધ ક્રિષ્ણા.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ