
નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) પ્રખ્યાત પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકે, પદ્મ ભૂષણ સન્માન પ્રાપ્ત કર્યા બાદ ભાવુક સંદેશ શેર કરીને પોતાના પ્રશંસકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. લાંબા સમયથી ગંભીર બીમારી સેન્સરી ન્યૂરલ હિયરિંગ લોસથી પીડિત અલકાએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષનો સમય તેમના માટે અત્યંત પડકારજનક રહ્યો, પરંતુ આ કઠિન સમયમાં પ્રશંસકોનો પ્રેમ, પ્રાર્થનાઓ અને સમર્થન તેમની સૌથી મોટી શક્તિ રહ્યા. તેમણે કહ્યું કે આ સન્માન માત્ર તેમના નામનું નથી, પરંતુ તે તમામ શ્રોતાઓનું પણ છે, જેમણે તેમની અવાજને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો.
અલકાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી નોંધમાં લખ્યું કે, પદ્મ ભૂષણ જેવાં પ્રતિષ્ઠિત સન્માનને સ્વયં સ્વીકારવું તેમના માટે અત્યંત ભાવુક અને ગૌરવભર્યો ક્ષણ હતો. તેમણે કહ્યું કે આ સન્માન તેમના કાર્યની ઓળખ હોવા ઉપરાંત આશા, હિંમત અને પ્રેમની શક્તિનું પ્રતીક છે. ગાયિકાએ જણાવ્યું કે તેઓ ધીમે ધીમે પોતાની જૂની જિંદગી અને સંગીતની દુનિયામાં પરત ફરવાનો પ્રયાસ કરી રહી છે અને આ વાપસી માત્ર પોતાના માટે નહીં, પરંતુ તે લાખો પ્રશંસકો માટે પણ છે, જેઓ હંમેશાં તેમની સાથે ઊભા રહ્યા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રાલય અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરતાં અલકાએ કહ્યું કે, તેઓ આ સન્માનને વિનમ્રતા અને ગૌરવ સાથે સ્વીકારે છે.
અલકા યાજ્ઞિકે વર્ષ 2024માં ખુલાસો કર્યો હતો કે તેઓ સેન્સરી ન્યૂરલ હિયરિંગ લોસ નામની ગંભીર બીમારીથી પીડાઈ રહી છે, જેના કારણે તેમની ગાયકી પણ પ્રભાવિત થઈ છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ મુશ્કેલ સમયથી ઘબરાઈ નથી અને સતત સ્વસ્થ થવાની દિશામાં આગળ વધી રહી છે.
હિંદુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ