
નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.): આઇસલેન્ડમાં ભારતની પ્રીમિયમ કેરી નિકાસને વેગ આપવા માટે, ભારતે ભારતીય કેરીની વિવિધ જાતોનું પ્રદર્શન પ્રથમ વખત યોજ્યું છે, જે બંને દેશો વચ્ચે કૃષિ વેપારને મજબૂત બનાવવાની તકો પર પ્રકાશ પાડે છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આઇસલેન્ડની રાજધાની રેકજાવિકમાં ભારતીય દૂતાવાસે કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ (એપીડા) સાથે મળીને 24 જૂને રેકજાવિકમાં અને 25 જૂને ઉત્તર આઇસલેન્ડના અકુરેરીમાં પ્રથમ વખત ભારતીય કેરી પ્રમોશન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં દશેરી, ચૌસા, લંગડા અને કેસર જાતો સહિત ભારતીય કેરીની સમૃદ્ધ વિવિધતા અને તેમની વિશાળ નિકાસ ક્ષમતા દર્શાવવામાં આવી હતી.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય રાજદૂત આર. રવિન્દ્રએ ભારતની વિશ્વ-પ્રસિદ્ધ કેરીની જાતોની વિશિષ્ટતા પર પ્રકાશ પાડ્યો અને આઇસલેન્ડમાં ભારતીય કેરીની નિકાસના વિસ્તરણની વિશાળ સંભાવના પર ભાર મૂક્યો. વધુમાં, ભારતીય દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી શ્રીમતી અનિશા તોમરે ભારતમાં કેરીના ઉત્પાદન પર પ્રેઝન્ટેશન આપ્યું. તેમણે સમજાવ્યું કે, ભારત વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ છે.
આઇસલેન્ડિક વિદેશ મંત્રાલયના વેપાર કરારના ડિરેક્ટર સ્વેન કે. આઈનાર્સને ભારત-ઈએફટીએ વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (ટીઈપીએ) દ્વારા રજૂ કરાયેલી તકો અને આઇસલેન્ડમાં ભારતીય કેરીની આયાતને પ્રોત્સાહન આપવાની સંભાવનાઓ પર પોતાના વિચારો શેર કર્યા.
વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સ્થાનિક ગ્રાહકો સાથે ભારતીય મિશનની વાતચીત દરમિયાન, એવું બહાર આવ્યું છે કે આઇસલેન્ડવાસીઓ કેરીના ખૂબ શોખીન છે, ખાસ કરીને સ્મૂધી, મીઠાઈઓ અને ફળોના સલાડમાં. આ આઇસલેન્ડિક બજારમાં ભારતીય કેરીની નોંધપાત્ર સંભાવના દર્શાવે છે.
નોંધનીય છે કે, આઇસલેન્ડ હાલમાં મુખ્યત્વે થાઇલેન્ડ, બ્રાઝિલ, કંબોડિયા, ઘાના અને પેરુથી કેરીની આયાત કરે છે. વૈકલ્પિક સપ્લાયર્સની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે, આ દેશોની કેરીઓએ આઇસલેન્ડિક બજારમાં મજબૂત હાજરી સ્થાપિત કરી છે. 2025 માં, આઇસલેન્ડે આશરે 33 લાખ અમેરિકન ડોલર ની કેરીની આયાત કરી હતી, જેમાંથી આશરે 10 લાખ અમેરિકન ડોલરની કેરી ફક્ત થાઇલેન્ડથી જ આયાત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ