
નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.). ભારતીયો દુનિયામાં સૌથી ઓછી કિંમતે રસોઈ ગેસ મેળવનારાઓમાં સામેલ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય)ના લાભાર્થીઓને 14.2 કિલોગ્રામનો એલપીજી સિલિન્ડર અસરકારક રીતે 642 રૂપિયામાં મળી રહ્યો છે. દિલ્હીમાં સામાન્ય ગ્રાહકો 942 રૂપિયામાં સિલિન્ડર ખરીદી રહ્યા છે, જ્યારે વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં એક સિલિન્ડરની સપ્લાય કિંમત 1,600 રૂપિયાથી વધુ થઈ ગઈ છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, ઉજ્જવલાના લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડર 300 રૂપિયાની પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) સહાયતા પ્રથમ ચાર રિફિલ પર આપવામાં આવે છે. આ પ્રકારે તેમને વાર્ષિક 1,200 રૂપિયાની સહાયતા મળે છે. બિન-ઉજ્જવલા ગ્રાહકો પણ બજાર આધારિત કિંમતની તુલનામાં લગભગ 700 રૂપિયા ઓછી કિંમતે સિલિન્ડર મેળવી રહ્યા છે.
મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં ઉજ્જવલાના લાભાર્થીઓ માટે અસરકારક એલપીજી કિંમત 642 રૂપિયા છે, જ્યારે પાકિસ્તાનમાં સમાન માત્રાનો સિલિન્ડર 1,046 રૂપિયા, નેપાળમાં 1,207 રૂપિયા, બાંગ્લાદેશમાં લગભગ 1,225 રૂપિયા અને શ્રીલંકામાં 1,241 રૂપિયાનો છે. જ્યારે, અમેરિકામાં તેની કિંમત લગભગ 1,755 રૂપિયા, ઓસ્ટ્રેલિયામાં 1,765 રૂપિયા અને કેનેડામાં 2,411 રૂપિયા બરાબર છે.
મંત્રાલય અનુસાર, ભારત તેની એલપીજી જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે અને તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં નક્કી થતા સાઉદી કોન્ટ્રાક્ટ પ્રાઈસ (સીપી)થી પ્રભાવિત થાય છે. ફેબ્રુઆરીમાં એલપીજીનો સાઉદી સીપી 542.50 ડોલર પ્રતિ ટન હતો, જે જૂન 2026 સુધીમાં વધીને 790 ડોલર પ્રતિ ટન પહોંચી ગયો. આ સમયગાળામાં તેમાં લગભગ 46 ટકાનો વધારો નોંધાયો.
મંત્રાલયે જણાવ્યું કે, પશ્ચિમ એશિયામાં તણાવ અને હોર્મુઝ જળસંધિમાં અવરોધ હોવા છતાં ભારતે તેની ઊર્જા સપ્લાય ચેઇનને જાળવી રાખી. દેશમાં કોઈપણ પેટ્રોલિયમ ઉત્પાદનની અછત ન થઈ અને એલપીજીનું બોટલિંગ તથા વિતરણ સામાન્ય રીતે ચાલુ રહ્યું.
ઘરેલું એલપીજીની વધતી કિંમતનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર નાખવામાં આવ્યો નથી. જાહેર ક્ષેત્રની તેલ વિપણન કંપનીઓ અને કેન્દ્ર સરકાર કિંમત તથા છૂટક ભાવ વચ્ચેના તફાવતને વહન કરી રહી છે. નાણાકીય વર્ષ 2025-26ના અંત સુધીમાં ઘરેલું એલપીજી પર સંચિત અંડર-રિકવરી લગભગ 60,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ, જ્યારે એક વર્ષ પહેલા તે 41,338 કરોડ રૂપિયા હતી. આ બાબતમાં કેન્દ્ર સરકારે તેલ વિપણન કંપનીઓને 30,000 કરોડ રૂપિયાની ક્ષતિપૂર્તિને મંજૂરી આપી છે.
મંત્રાલયે જણાવ્યું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધીમાં 10.58 કરોડથી વધુ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ