સુરતમાં ચાની કિટલી પર થયેલી બોલાચાલી બની જીવલેણ, બે મિત્રોની ચપ્પુના હુમલામાં મોત
સુરત, 07 જૂન (હિ.સ.) : સુરતના સિંગણપોર વિસ્તારમાં શનિવાર-રવિવારની મોડી રાત્રે ચાની કિટલી પર થયેલી નજીવી બોલાચાલી ભયાનક હિંસામાં ફેરવાઈ હતી. માહિતી મુજબ, પાંચ મિત્રો ચા પીવા માટે ડભોલી ગામ નજીક બજરંગનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં કેટલાક અજાણ્યા
Surat


સુરત, 07 જૂન (હિ.સ.) : સુરતના સિંગણપોર વિસ્તારમાં શનિવાર-રવિવારની મોડી રાત્રે ચાની કિટલી પર થયેલી નજીવી બોલાચાલી ભયાનક હિંસામાં ફેરવાઈ હતી. માહિતી મુજબ, પાંચ મિત્રો ચા પીવા માટે ડભોલી ગામ નજીક બજરંગનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં કેટલાક અજાણ્યા યુવકો સાથે થયેલી તકરાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો.

આરોપ છે કે સામે પક્ષના 10થી 15 જેટલા યુવકો ઘાતક હથિયારો સાથે સ્થળ પર ધસી આવ્યા અને પાંચેય મિત્રો પર હુમલો કર્યો. હુમલા દરમિયાન હર્ષલ પાટીલને પીઠના ભાગે અને ભટ્ટુ માળીને પેટના ભાગે ચપ્પુના ગંભીર ઘા મારવામાં આવ્યા હતા. હુમલા બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ગંભીર રીતે ઘાયલ બનેલા બંને યુવકોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ગણતરીના કલાકોમાં બે યુવાનોના મોતથી પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસ દ્વારા કેસ નોંધાવી હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande