પાટણના ખડિયાસણ મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ શંકાસ્પદ આતંકી ઝડપાયા
પાટણ, 04 જુલાઈ (હિ.સ.) : રથયાત્રાના 13 દિવસ પહેલાં ગુજરાત ATSએ રાજ્ય અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી કુલ 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. તેમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની મદ્રેસામાંથી ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી
ખડિયાસણ મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ શંકાસ્પદ આતંકી ઝડપાયા


પાટણ, 04 જુલાઈ (હિ.સ.) : રથયાત્રાના 13 દિવસ પહેલાં ગુજરાત ATSએ રાજ્ય અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી કુલ 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. તેમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની મદ્રેસામાંથી ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા ત્રણેય પર જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. તેમની ઓળખ સિદ્ધપુરના ચાટાવાડાના મોહંમદ અમીન શેરા, બનાસકાંઠાના ટોકરીયાના મુફ્તિ ફૌજાન દાઉવા અને ભાગળના ઝકરીયા દુરાની ઘાઘા તરીકે થઈ છે.

ATSના જણાવ્યા મુજબ, ત્રણેય લાંબા સમયથી મદ્રેસા સાથે સંકળાયેલા હતા. ફૌજાન દાઉવા શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે મોહંમદ અમીન શેરા અને ઝકરીયા દુરાની વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હતા.

મદ્રેસાના ટ્રસ્ટી જુનેદે જણાવ્યું કે ATSની કાર્યવાહી દરમિયાન જ તેમને સમગ્ર મામલાની જાણ થઈ હતી. આરોપીઓની કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અગાઉ ક્યારેય ધ્યાનમાં આવી નહોતી.

ટ્રસ્ટીના જણાવ્યા મુજબ, મદ્રેસામાં 380 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વિદ્યાર્થીઓને મોબાઇલ રાખવાની મંજૂરી નથી. પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીઓએ શિક્ષકના મોબાઇલનો ઉપયોગ કરીને સંપર્ક કર્યો હોવાની માહિતી સામે આવી છે. હાલ ATS દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande