
યોગાકાર્તા, 08 જુલાઈ (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆંતોએ બુધવારે સંયુક્ત રીતે ઇન્ડોનેશિયાના યોગ્યકાર્તામાં વિશ્વ વિખ્યાત પ્રમ્બનન મંદિર સંકુલના સંરક્ષણ અને પુનઃસ્થાપન યોજનાનો શુભારંભ કર્યો હતો. મંદિર સંકુલ, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર સંકુલ છે. ભગવાન શિવને સમર્પિત, 10મી સદીના આ ઐતિહાસિક વારસાનું સ્થળ ભારત-ઇન્ડોનેશિયાના સહિયારા સાંસ્કૃતિક સંબંધોનું મહત્વપૂર્ણ પ્રતીક માનવામાં આવે છે.
આ પરિયોજનાના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ તેમનું સૌભાગ્ય છે કે તેમને તેમના જીવનમાં વારંવાર ભગવાન શિવ સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોની સેવા અને જાળવણી કરવાની તક મળી છે. તેમણે કહ્યું કે તેમનો જન્મ ગુજરાતના વડનગરમાં થયો હતો, જ્યાં હાતકેશ્વર મહાદેવની પ્રસિદ્ધ તીર્થયાત્રા છે. બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ પણ ગુજરાતમાં સ્થિત છે અને તેમને તેના વિકાસમાં સીધી ભૂમિકા ભજવવાની તક મળી હતી.તેમણે કહ્યું કે તેમના રાજકીય જીવનનું કેન્દ્ર કાશી વિશ્વનાથ પણ રહ્યું છે, જ્યાં તેમને સતત બાબા વિશ્વનાથના આશીર્વાદ મળી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેદારનાથ ધામના પુનઃનિર્માણ પછી, ઉજ્જૈનમાં મહાકાલના વિકાસ પછી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે સંકળાયેલા આ મહાન સાંસ્કૃતિક વારસાના પુનરુત્થાન કાર્યનો પ્રારંભ કરવો એ હવે તેમનું મોટું સૌભાગ્ય છે, જે લગભગ 1000 થી 1200 વર્ષ જૂનું છે. તેમણે કહ્યું કે તેઓ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે પોતાને ભાગ્યશાળી માને છે.
મોદીએ કહ્યું કે ઇન્ડોનેશિયાની તેમની મુલાકાતના ત્રીજા દિવસે પણ તેઓ હવામાં ભારતીય સંસ્કૃતિની એ જ સુગંધ અનુભવી શક્યા જે ભારતની ધરતી પર અનુભવાય છે. તેમણે લગભગ 1200 વર્ષ સુધી આ વારસાને જાળવી રાખવા માટે ઇન્ડોનેશિયાના લોકો અને વિવિધ યુગમાં અહીં શાસન કરનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે લ્હાસાથી કૈલાશ માનસરોવર સુધીની યાત્રા હોય કે પછી ઇન્ડોનેશિયાનું પવિત્ર પ્રમ્બનન મંદિર, મહામૃત્યુંજય મંત્ર અને 'ઓમ નમઃ શિવાય નો જાપ દરેક જગ્યાએ સંભળાય છે. તેમણે કહ્યું કે આ દ્રશ્ય અત્યંત ભાવનાત્મક હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ભવ્ય મંદિર સંકુલને વિશ્વ ધરોહર સ્થળ તરીકે પુનર્જીવિત કર્યા પછી, મોટી સંખ્યામાં ભારતીય ભક્તો અને પ્રવાસીઓ તેની મુલાકાત લેશે.
તેમણે કહ્યું હતું કે, વિશ્વના ગમે તે ભાગમાં જાય, ત્યાં ભારતના સાંસ્કૃતિક વારસાની ઝલક જોઈ શકાય છે. પ્રમ્બનન મંદિર દક્ષિણપૂર્વ એશિયામાં ભારતીય સાંસ્કૃતિક વારસાના સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નોમાંનું એક છે. ભગવાન શિવ, માતા દુર્ગા અને ભગવાન ગણેશની મૂર્તિઓ મંદિર સંકુલમાં સ્થાપિત છે અને સદીઓથી ઊંડી શ્રદ્ધા સાથે તેમની પૂજા કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમને પોતે આ મંદિરની મુલાકાત લેવાનું અને પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું હતું, જેને તેમણે તેમના જીવનની સૌથી જીવંત અને અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી. તેમણે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત કરવા, બંને દેશોના નાગરિકોના કલ્યાણ અને બંને દેશોના ઝડપી વિકાસ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પુનઃસ્થાપન યોજના વર્ષ 2029 પહેલાં પૂર્ણ થઈ જશે અને તે પૂર્ણ થયા પછી તેઓ ફરીથી પ્રમ્બનન મંદિરની મુલાકાત લેશે.
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ