

કચ્છ, 12 ઓગસ્ટ (હિ.સ.) ભુજ શહેરમાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી એક શખ્સને વરલી મટકાના આંક-ફરકના જુગાર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.16,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પશ્ચિમ કચ્છમાં જુગારની બદી પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, ભુતેશ્વર ફળિયામાં રહેતો અનવર કાસમ મણકા નામનો શખ્સ ભુજ માર્કેટ યાર્ડના ગેટની સામેના રોડ પર જાહેરમાં લોકો પાસેથી નાણાં મેળવી આંક-ફરકના વરલી મટકાનો જુગાર રમાડે છે.
બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી નિર્ધારિત સ્થળે પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસને જોતાં સ્થળ પર હલચલ મચી હતી, જોકે ટીમે સતર્કતાપૂર્વક કાર્યવાહી કરી અનવર કાસમ મણકાને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી જુગારના વ્યવહારમાં વપરાયેલી રૂ.11,300ની રોકડ રકમ તેમજ રૂ.5,000ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે બંને સહિત કુલ રૂ.16,300નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપીની ઓળખ ભુજના ભુતેશ્વર ફળિયામાં રહેતા 35 વર્ષીય અનવર કાસમ મણકા તરીકે થઈ છે. આ કાર્યવાહી ASI પંકજ કુશવાહા, HC નવીન જોષી, શ્યામ ગઢવી અને PC ભરત ગઢવી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યવાહીથી ભુજ શહેરમાં જાહેર સ્થળોએ ચાલતી જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહીનો સંદેશો મળ્યો છે. સમગ્ર મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar