


કચ્છ, 12 ઓગસ્ટ (હિ.સ.) : ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે HIV/AIDS અને ટીબી અંગે યુવાનોમાં વૈજ્ઞાનિક સમજણ વિકસાવવા તથા સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને ભેદભાવ દૂર કરવાના હેતુથી સઘન IEC અભિયાન-3.0 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય AIDS અને STD નિયંત્રણ કાર્યક્રમ (NACP) હેઠળ 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન દેશભરમાં ચાલનારા આ અભિયાનનો કચ્છ જિલ્લામાં પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરીના દિશાનિર્દેશનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા TB-HIV અધિકારી ડૉ. મનોજ દવે અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે વિદ્યાર્થીનીઓને HIV/AIDS અને ટીબી અંગે મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી માહિતી આપી હતી.
ડૉ. મનોજ દવેએ HIV કઈ રીતે ફેલાઈ શકે છે, તેના સંક્રમણથી બચવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ, સમયસર HIV ટેસ્ટિંગ શા માટે જરૂરી છે અને યોગ્ય સારવારથી કેવી રીતે જીવનને સ્વસ્થ રીતે આગળ વધારી શકાય તે અંગે સમજણ આપી હતી. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે HIV સાથે જીવતા લોકો પ્રત્યે ભેદભાવ કે સામાજિક કલંક રાખવાને બદલે તેમને જરૂરી સહયોગ અને માનવતાપૂર્ણ વર્તન આપવું જોઈએ.
કાર્યક્રમમાં ટીબી અંગે પણ વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ઉધરસ રહેવી, તાવ આવવો, વજનમાં ઘટાડો થવો અથવા રાત્રે વધુ પરસેવો થવો જેવા લક્ષણો દેખાય તો તેને અવગણવાને બદલે નજીકની આરોગ્ય સંસ્થામાં તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી હતી. ટીબીની સમયસર ઓળખ અને નિયમિત રીતે સંપૂર્ણ સારવાર લેવાથી રોગને નિયંત્રણમાં લાવી શકાય છે તેમ સમજાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ ઉપરાંત NTEP સ્ટાફ, NGO કાર્યકરો, DISHA સંસ્થાના પ્રતિનિધિઓ, NACP કચ્છ જિલ્લા સ્ટાફ અને NSSના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્થાના સંચાલકો તથા સ્ટાફના સહયોગ બદલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સઘન IEC અભિયાન-3.0નો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને જનસમુદાય સુધી HIV/AIDS તથા ટીબી અંગે, સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવી, ગેરસમજ દૂર કરવી અને જરૂરિયાતમંદ લોકોને સમયસર ટેસ્ટિંગ, નિદાન તથા સારવારની આરોગ્ય સેવાઓ સાથે જોડવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar