
- તિરંગાની શાનમાં એકસાથે જોડાયું રાજપીપળા : જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નગરજનોની અભૂતપૂર્વ ઉપસ્થિતિ
- દેશભક્તિના નાદ, વંદે માતરમના ગાન અને આદિવાસી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે શહેરમાં નીકળી તિરંગા યાત્રા
રાજપીપળા,12 ઓગસ્ટ (હિ.સ.) દેશના રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે ગૌરવ, સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે રાજપીપળા શહેરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તિરંગાની આન-બાન-શાનને હૃદયમાં વસાવી હજારોની સંખ્યામાં જોડાયેલા નાગરિકોના ઉત્સાહથી સમગ્ર રાજપીપળા શહેર જાણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
તિરંગા યાત્રાનો પ્રારંભ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ , ધાબાગ્રાઉન્ડ ખાતેથી થયો હતો. જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘ, નાંદોદના માન. ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ સામૂહિક વંદે માતરમ્ ગાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિના ગુંજતા નાદ વચ્ચે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
યાત્રાના પ્રારંભથી જ વાતાવરણમાં અદભૂત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસ વિભાગના જવાનો તિરંગા સાથે બાઈક પર યાત્રામાં જોડાયા હતા. જ્યારે મેવાસી આદિવાસી સાંસ્કૃતિક ગ્રુપ દ્વારા યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન સંગીતમય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી.
‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ્’ અને રાષ્ટ્રભક્તિના જયઘોષથી ગુંજી ઊઠેલા રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર તિરંગા સાથે નીકળેલી આ યાત્રા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવતી રહી હતી. યાત્રાના માર્ગમાં આવતા નંદરાજાની પ્રતિમાને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા પુષ્પહાર અર્પણ કર્યા હતા.
તિરંગા યાત્રા ડૉ.બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચતા મહાનુભાવોએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ યાત્રા સર વિનાયક ગાર્ડન ખાતે પહોંચી હતી, જ્યાં ભવ્ય તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
તિરંગા યાત્રાના સમાપન બાદ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સર વિનાયક ગાર્ડન ખાતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
દેશપ્રેમની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં ‘રાષ્ટ્રધ્વજનું સન્માન અને પ્રકૃતિનું સંરક્ષણ’ બંને સંકલ્પોને એકસાથે ઉજાગર કરવામાં આવ્યા હતા.
આ ભવ્ય તિરંગા યાત્રામાં સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારી-કર્મચારીઓ, નગરપાલિકાના હોદ્દેદારો, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ સ્કાઉટ-ગાઈડ, DLSSના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ