
નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.) અભિનેત્રી રાની મુખર્જીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન (આઈએફએફએમ) માં સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન અને પ્રભાવશાળી અભિનય માટે વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા.
ત્રણ દાયકાના લાંબા પોતાના શાનદાર કરિયરમાં રાનીએ હિન્દી સિનેમામાં ઘણા યાદગાર કિરદારો ભજવ્યા છે અને પોતાની દમદાર અદાકારી દ્વારા ભારતીય વાર્તાઓને આંતરરાષ્ટ્રીય દર્શકો સુધી પહોંચાડી છે. ઓસ્ટ્રેલિયામાં આયોજિત સમારોહમાં સન્માન પ્રાપ્ત કરતી વખતે રાનીએ તેને પોતાના માટે ભાવુક અને ખાસ પળ ગણાવી.
રાનીએ કહ્યું કે. જ્યારે તેમણે એક નાની છોકરી તરીકે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂક્યો હતો, ત્યારે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમના ભજવેલા કિરદારો અને ફિલ્મો તેમને સાત સમંદર પાર સુધી લઈ જશે. તેમણે ઓસ્ટ્રેલિયન દર્શકો પાસેથી મળેલા પ્રેમ અને સન્માન માટે આભાર વ્યક્ત કરતા કહ્યું કે સિનેમામાં સાંસ્કૃતિક સીમાઓને પાર કરવાની અદ્ભુત ક્ષમતા છે. તેમના મતે, દુનિયાભરના લોકોનું મનોરંજન કરવું અને વાર્તાઓ દ્વારા અલગ-અલગ સંસ્કૃતિઓને જોડવી એ આ વ્યવસાયની સૌથી મોટી ભેટ છે.
પોતાના કરિયરમાં રાનીએ 'બ્લેક', 'હમ તુમ', 'યુવા', 'બંટી ઔર બબલી', 'નો વન કિલ્ડ જેસિકા', 'હિચકી', 'મર્દાની' ફ્રેન્ચાઇઝી અને 'મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે' જેવી ફિલ્મોમાં અલગ-અલગ ભૂમિકાઓ ભજવી. તેમના કિરદારોમાં ભાવનાત્મક ઊંડાણ અને મજબૂત મહિલા પાત્રોની ઝલક જોવા મળી છે. આઈએફએફએમ નું ૨૦૨૬ સંસ્કરણ ૧૩ થી ૨૩ ઓગસ્ટ સુધી આયોજિત કરવામાં આવી રહ્યું છે. રાનીને મળેલું આ સન્માન, માત્ર તેમની વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાની વધતી સ્વીકૃતિને પણ રેખાંકિત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ