આકાશ પછી હવે અભિનયની ઉડાન, અક્ષત સક્સેનાની નવી ઇનિંગ્સ
નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) આકાશમાં હજારો કલાક ઉડાન ભર્યા પછી હવે અક્ષત સક્સેનાએ પોતાના બાળપણના સપનાને પાંખો આપીને અભિનયની દુનિયામાં પગ મૂક્યો છે. તેમના માટે આ સફર માત્ર એક વ્યવસાય બદલવાની વાર્તા નથી, પરંતુ પિતાનો વારસો, પોતાના અધૂરા સપના અને પોતા
ફિલ્મ


નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) આકાશમાં હજારો કલાક ઉડાન ભર્યા પછી હવે અક્ષત સક્સેનાએ પોતાના બાળપણના સપનાને પાંખો આપીને અભિનયની દુનિયામાં પગ મૂક્યો છે. તેમના માટે આ સફર માત્ર એક વ્યવસાય બદલવાની વાર્તા નથી, પરંતુ પિતાનો વારસો, પોતાના અધૂરા સપના અને પોતાને એક નવી ઓળખ આપવાની ભાવુક યાત્રા છે.

અક્ષતના પિતા, ભારતીય વાયુસેનાના બહાદુર ફાઇટર પાયલટ રહ્યા છે અને 'ઓપરેશન સફેદ સાગર'માં પણ, તેમણે ભાગ લીધો હતો. આવા સંજોગોમાં, આ જ ઓપરેશન પર આધારિત પ્રોજેક્ટમાં એરફોર્સનો યુનિફોર્મ પહેરીને ફાઇટર કંટ્રોલરનો કિરદાર ભજવવો અક્ષત માટે અત્યંત ભાવુક અને ગર્વની ક્ષણ રહી. બાળપણમાં સ્ટેજ પર અભિનય કરવાનું સપનું જોનારા અક્ષતે, 33 વર્ષની ઉંમરે પોતાની સફળ પાયલટ કારકિર્દીને અલવિદા કહીને અભિનયને સંપૂર્ણપણે સમર્પિત કરવાનું સાહસ બતાવ્યું. 'ઓપરેશન સફેદ સાગર'થી પોતાની અભિનય યાત્રાની શરૂઆત, પિતા પાસેથી મળેલી પ્રેરણા અને કેમેરા સામે પહેલીવાર ઊભા રહેવાના ભાવુક અનુભવ વિશે, અક્ષત સક્સેનાએ 'હિન્દુસ્થાન સમાચાર' સાથે ખાસ વાતચીત કરી.

પ્રશ્ન: 'ઓપરેશન સફેદ સાગર' તમારી અભિનય યાત્રાની શરૂઆત છે, આ ફિલ્મ સાથે જોડાવાનું ખાસ કારણ શું રહ્યું?

જવાબ: જ્યારે મને ફિલ્મ 'ઓપરેશન સફેદ સાગર'ની સ્ક્રિપ્ટ વિશે જણાવવામાં આવ્યું, ત્યારથી જ મને તેમાં રસ હતો. કારગિલ યુદ્ધના સમયે, હું આ ઓપરેશન વિશે જાણતો હતો, કારણ કે મારા પિતા 'મિરાજ 2000'ના પાયલટ હતા અને તેમણે 'ઓપરેશન સફેદ સાગર'માં, ઘણા મિશન કર્યા હતા. જ્યારે મને ફાઇટર કંટ્રોલરનો કિરદાર ઓફર થયો, ત્યારે તે મારા માટે ખૂબ જ રસપ્રદ અને પ્રભાવશાળી હતો. ફાઇટર કંટ્રોલર્સ અને ફાઇટર પાયલટ્સ ભારતીય વાયુસેનામાં ખૂબ નજીકથી સાથે કામ કરે છે. સ્ક્રિપ્ટ વાંચ્યા પછી મને લાગ્યું કે આ વાર્તા વાસ્તવિકતા અને સાચી ઘટનાઓની ખૂબ નજીક છે, તેથી મેં આ કિરદાર ભજવવાનો નિર્ણય કર્યો.

પ્રશ્ન: આ ફિલ્મમાં પોતાના કિરદાર માટે તમે કયા પ્રકારની તૈયારી કરી?

જવાબ: આ કિરદારની તૈયારી માટે મેં વાયુસેનામાં કામ કરી રહેલા મારા કેટલાક મિત્રો સાથે વાત કરી, જેઓ ફાઇટર કંટ્રોલર્સ છે. મેં તેમની પાસેથી તેમનું જીવન, ઓપરેશન્સ દરમિયાન તેમના કામ કરવાની રીતો અને ફાઇટર પાયલટ્સ સાથેના તેમના સંબંધો વિશે જાણ્યું. મારો પોતાનો પાયલટ તરીકેનો અનુભવ પણ મને ખૂબ કામ આવ્યો. મેં લગભગ 15 વર્ષ રેડિયો ટેલિફોનીનો ઉપયોગ કર્યો છે, તેથી મને ખબર હતી કે આ પ્રકારના કોમ્યુનિકેશનમાં કઈ રીતે વાત કરવામાં આવે છે અને પાયલટ્સને કયા પ્રકારની માહિતી જોઈતી હોય છે. મારો પોતાનો અનુભવ અને વાયુસેનાના ફાઇટર કંટ્રોલર મિત્રો સાથે થયેલી વાતચીત જ આ કિરદારની તૈયારીનો મહત્વનો ભાગ રહી.

પ્રશ્ન: પાયલટથી અભિનેતા બનવાની યાત્રા, શરૂ કરવાનો વિચાર તમારા મનમાં ક્યારે આવ્યો?

જવાબ: અભિનેતા બનવાનું સપનું ખરેખર બાળપણમાં જ શરૂ થઈ ગયું હતું. જ્યારે હું 5-6 વર્ષનો હતો, ત્યારે મારી માતાએ મને કેટલાક સ્ટેજ પ્લેમાં ભાગ લેવડાવ્યો હતો. લગભગ 8 વર્ષની ઉંમરે મારું એક ફોટોશૂટ પણ થયું હતું, પરંતુ તે સમયે વાત આગળ વધી શકી નહીં. મારા પિતા વાયુસેનામાં હતા, તેથી અમારી પોસ્ટિંગ દર બે-ત્રણ વર્ષે થતી રહેતી હતી. મેં દેશભરમાં લગભગ 7-8 શાળાઓમાં અભ્યાસ કર્યો છે.

સપનું બાળપણનું હતું, પરંતુ તે પૂરું થઈ શક્યું નહીં. વાયુસેના પછી હું પોતે પાયલટ બની ગયો અને લગભગ 13-14 વર્ષ તે જ વ્યવસાયમાં વ્યસ્ત રહ્યો. પછી એક દિવસ લાગ્યું કે જિંદગી એક જ છે અને દરેક સપનાને એક તક આપવી જોઈએ. મેં મારી નોકરી છોડીને સંપૂર્ણપણે અભિનયમાં આવવાનો નિર્ણય કર્યો. આ પછી મેં ઘણી તાલીમ લીધી. આદિલ હુસૈન સર, નીરજ કાબી સર અને મુકેશ છાબડા સર સાથે તાલીમ અને વર્કશોપ કરી. બેરી જોન સર, જેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમની સાથે ત્રણ મહિનાનો ડિપ્લોમા કોર્સ પણ કર્યો. આ જ મારી અભિનેતા બનવાની તૈયારી રહી.

પ્રશ્ન: પહેલીવાર કેમેરા સામે આવવાનો અનુભવ કેવો રહ્યો?

જવાબ: પહેલીવાર કેમેરા સામે આવવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. મને લાગે છે કે, જિંદગીએ મને આ માટે તૈયાર કર્યો હતો. એક પાયલટ અને એરલાઇન પ્રોફેશનલ તરીકેના મારા અનુભવે મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો. આ પછી મેં અભિનેતા બનવા માટે તાલીમ પણ લીધી હતી, તેથી કેમેરા સામે જવા વિશે એક આત્મવિશ્વાસ હતો. સેટ પર ખૂબ મજા આવી અને આખી ટીમ ખૂબ સારી હતી. દિગ્દર્શક ઓની સેન મારા અત્યાર સુધીના કામ કરેલા શ્રેષ્ઠ દિગ્દર્શકોમાંના એક છે. તેથી કેમેરા સામે કામ કરવું મારા માટે ખૂબ જ સારો અનુભવ રહ્યો.

પ્રશ્ન: એક ડેબ્યુટન્ટ તરીકે ફિલ્મના સેટ પર સૌથી મોટી પડકાર શું રહી?

જવાબ: તમે ગમે તેટલા તૈયાર અને પ્રશિક્ષિત હો, સેટ પર પહેલીવાર જતાં થોડી ગભરાહટ થાય જ છે. મારા મતે આ સારી વાત છે. સૌથી મોટી પડકાર હતી તે ક્ષણમાં સંપૂર્ણપણે હાજર રહેવું. દરેક અભિનેતાને શીખવવામાં આવે છે કે સેટને સેટ ન સમજીને તે પરિસ્થિતિને વાસ્તવિકતાની જેમ જીવવી. શરૂઆતમાં મારા માટે આ થોડું મુશ્કેલ હતું. પરંતુ અમારી ટીમ ખૂબ જ શાનદાર હતી. દિગ્દર્શક ઓની સેન સર, સિદ્ધાર્થ, જિમ્મી શેરગિલ અને બાકીના બધા કલાકારો ખૂબ જ પ્રોફેશનલ હતા. તેમણે સેટ પર બધાને ખૂબ જ સહજ અનુભવ કરાવ્યો. આખી કાસ્ટ અને ક્રૂના સહયોગને કારણે મારા માટે આ અનુભવ ખૂબ જ આરામદાયક બની ગયો.

પ્રશ્ન: વિમાન ઉડાડવામાં અને અભિનય કરવામાં તમને શું સમાનતા દેખાય છે?

જવાબ: બંને ક્ષેત્રોમાં ઘણી સમાનતાઓ છે. એક સારો પાયલટ બનવા માટે ઘણી તાલીમ લેવી પડે છે, અભ્યાસ કરવો પડે છે અને અનુભવ સાથે તમારી ક્ષમતા વધુ સારી થતી જાય છે. અભિનયમાં પણ આ જ વાત લાગુ પડે છે. તમારે ઔપચારિક તાલીમ લેવી પડે છે અને પછી અનુભવ સાથે તમે એક સારા અભિનેતા બનો છો. વિમાન ઉડાડતા શીખવામાં પણ તાલીમના ઘણા સ્તરો હોય છે અને તેમાં ઘણો સમય લાગે છે. તે જ રીતે અભિનયમાં પણ સતત શીખતા રહેવું જરૂરી છે. હું હવે વધુને વધુ તકો શોધી રહ્યો છું, જેથી અલગ-અલગ કિરદાર ભજવી શકું અને એક અભિનેતા તરીકે પોતાને વધુ સારો બનાવી શકું.

પ્રશ્ન: ફિલ્મના શૂટિંગ દરમિયાન એવી કઈ ક્ષણ રહી, જેને તમે હંમેશા યાદ રાખશો?

જવાબ: એરફોર્સનો યુનિફોર્મ પહેરવો એ મારા માટે ગર્વ અને સન્માનની ક્ષણ હતી. આ એક ફોજીની વર્દી છે અને મારા માટે આ ખૂબ જ વ્યક્તિગત પણ છે, કારણ કે મારા પિતા પોતે ભારતીય વાયુસેનાના અત્યંત સન્માનિત અને પ્રતિષ્ઠિત ફાઇટર પાયલટ રહ્યા છે. તેમણે 'મિરાજ 2000'ને ફ્રાન્સથી ભારત લાવીને 1985માં ભારતીય વાયુસેનામાં સામેલ કરાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 'ઓપરેશન સફેદ સાગર'માં પણ ભાગ લીધો હતો. તેથી તેમના જેવી વર્દી પહેરવી મારા માટે ખૂબ જ ગર્વની વાત હતી. બીજી ખાસ ક્ષણ મારા અભિનય ગુરુ આદિલ હુસૈન સર સાથે કામ કરવાની હતી. મેં તેમની સાથે મારી પહેલી એક્ટિંગ વર્કશોપ કરી હતી. જ્યારે મેં તેમને ફોન કરીને જણાવ્યું કે હું 'ઓપરેશન સફેદ સાગર' કરી રહ્યો છું, ત્યારે તેમણે કહ્યું કે તેઓ પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. જ્યારે અમે પહેલીવાર સેટ પર સાથે હતા અને તેઓ પણ એરફોર્સના એક વરિષ્ઠ અધિકારીના યુનિફોર્મમાં હતા, ત્યારે તેમની સાથે સેટ અને સ્ક્રીન શેર કરવી મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત હતી. તેમની પાસેથી સેટ પર ઘણું શીખવા મળ્યું.

પ્રશ્ન: લગભગ 8,000 કલાક ઉડાન ભર્યા પછી, કેમેરા સામે ઊભા રહેવું કેટલો અલગ અનુભવ છે?

જવાબ: મને ખૂબ મજા આવી. એક પાયલટ તરીકે હું હંમેશા મુસાફરો સાથે વાતચીત કરતો હતો. એરલાઇનમાં કામ કરતી વખતે જો કોઈ વિલંબ થતો હતો કે કોઈ સમસ્યા આવતી હતી, તો મુસાફરોને સાચી માહિતી આપવી મારી જવાબદારી હતી. મેં ઘણા વર્ષો સુધી તે નોકરીને ખૂબ એન્જોય કરી અને મુસાફરો સાથે ઘણી વાતચીત કરતો હતો. કદાચ આ જ કારણે કેમેરા સામે મને કોઈ ડર લાગ્યો નહીં. જ્યારે તમે કેમેરા સામે કિરદાર ભજવી રહ્યા હો છો, ત્યારે મારા પાયલટના અનુભવે મને ક્યાંક ને ક્યાંક તે આત્મવિશ્વાસ આપ્યો કે હું તેને આરામથી કરી શકું છું. મને ખૂબ જ સહજ અનુભવ થયો. એવું લાગ્યું જાણે હું જહાજનો કેપ્ટન છું. મારું માનવું છે કે દરેક કિરદાર, ભલે તે નાનો હોય કે મોટો, પોતાની જગ્યાએ મહત્વપૂર્ણ હોય છે. તેથી મેં પોતાના કિરદારને તે જ આત્મવિશ્વાસ સાથે ભજવ્યો.

પ્રશ્ન: શું આગળ પણ તમે અભિનય સાથે વિમાનનથી પોતાનો સંબંધ જાળવી રાખવા માંગશો?

જવાબ: ચોક્કસ. હાલમાં હું અભિનયમાં સંપૂર્ણપણે રોકાયેલો છું, કારણ કે મારો એક સિદ્ધાંત છે કે, જે પણ કામ કરો, તેમાં 200 ટકા આપો. મેં મારી નોકરી એટલા માટે છોડી હતી જેથી અભિનયને મારો પૂરો સમય, ધ્યાન અને મહેનત આપી શકું. તે સમયે હું એક સારી અને ઊંચી પોઝિશન પર હતો અને મારી કારકિર્દી પણ ખૂબ સારી ચાલી રહી હતી, પરંતુ મેં અભિનયને સંપૂર્ણપણે તક આપવાનો નિર્ણય કર્યો. જોકે વિમાન સાથે મારો સંબંધ હંમેશા જળવાઈ રહેશે. હું પાયલટ્સની ત્રીજી પેઢી છું. મારા દાદાજી પાયલટ હતા, મારા પિતા પાયલટ હતા અને હું પણ પાયલટ છું. તેથી વિમાન મારા જીવનનો હંમેશા ભાગ રહેશે. ભગવાને ચાહ્યું તો એક દિવસ પોતાનું જહાજ ખરીદીને, તેને ઉડાડવાનું સપનું પણ જરૂર પૂરું કરીશ. અભિનય અને વિમાન, બંને સાથે મારો સંબંધ હંમેશા જળવાઈ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande