
- સ્વતંત્રતા દિવસે નાગપુરમાં, આરએસએસ મુખ્યાલય ખાતે ત્રિરંગો લહેરાવ્યો
નાગપુર, નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે સ્વતંત્રતા દિવસે અહીં આરએસએસના મુખ્યાલય ખાતે, ત્રિરંગો લહેરાવ્યો. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને સમર્પણને યાદ કરતાં, તેમણે દેશની સ્વતંત્રતાની રક્ષા કરવાની દરેક નાગરિકની જવાબદારી પર ભાર મૂક્યો.
ડૉ. ભાગવતે કહ્યું કે, સ્વતંત્રતા દિવસ એ દેશ માટે ગર્વ અને આનંદનો પ્રસંગ છે. 1857ના બળવાથી લઈને 1947માં સ્વતંત્રતા સુધી, લગભગ 90 વર્ષ સુધી, દેશવાસીઓએ વિવિધ સ્તરે સંઘર્ષ કર્યો, અને ઘણા લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા માટે આ સંઘર્ષ અને બલિદાન, હંમેશા યાદ રાખવું જોઈએ. સરસંઘચાલકએ કહ્યું કે, લાંબા સંઘર્ષ અને અસંખ્ય બલિદાન પછી પ્રાપ્ત થયેલી સ્વતંત્રતાને જાળવી રાખવાની જવાબદારી દરેક નાગરિકની છે.
તેમણે કહ્યું કે, ભારત સ્વતંત્ર થયું છે અને સ્વતંત્ર રહેશે, પરંતુ દેશને મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારી હજુ પૂર્ણ થઈ નથી. ભાગવતે જણાવ્યું હતું કે, ભારત હજુ પણ ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. આ પડકારોનો સામનો કરતી વખતે, દેશે તેના મુખ્ય મૂલ્યો અને સિદ્ધાંતો સાથે જોડાયેલા રહેવું જોઈએ. તેમણે નાગરિકોને રાષ્ટ્રની એકતા, સુરક્ષા અને વિકાસમાં જવાબદારીપૂર્વક યોગદાન આપવા હાકલ કરી.
સરસંઘચાલકએ કહ્યું કે, ભારત એક એવું રાષ્ટ્ર બનવું જોઈએ જે વિશ્વમાં મહત્વપૂર્ણ અને સકારાત્મક ભૂમિકા ભજવી શકે. તેમણે ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ આગળ વધવા વિશે વાત કરી. તેમણે કહ્યું કે, ભારતની પ્રગતિ ફક્ત આર્થિક કે રાષ્ટ્રીય વિકાસ સુધી મર્યાદિત ન હોવી જોઈએ. દેશે તેની ક્ષમતાઓ અને મૂલ્યો દ્વારા સમગ્ર માનવતાના કલ્યાણમાં યોગદાન આપવા આગળ વધવું જોઈએ. મોહન ભાગવતે, દેશવાસીઓને સ્વતંત્રતાના મહત્વને સમજવા, સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ રાખવા અને રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવા માટે તેમની જવાબદારીઓ પૂર્ણ કરવા વિનંતી કરી.
હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ