
પટના, નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.). બિહારના લખીસરાય જિલ્લાના અશોકધામ શિવ મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારે આજે થયેલી નાસભાગમાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા હોવાની માહિતી છે. પ્રશાસને હજુ સુધી ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી. જિલ્લા કલેક્ટર શૈલેન્દ્ર કુમારે સમાચાર લખાયા ત્યાં સુધીમાં મીડિયાને લગભગ સાત શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ છે. જણાવવામાં આવ્યું કે મૃતકોમાં તમામ મહિલાઓ છે.
જણાવવામાં આવ્યું છે કે, લગભગ 55 હજાર શ્રદ્ધાળુઓ જળાભિષેક કરવા માટે અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન નાસભાગ મચી ગઈ. શ્રદ્ધાળુઓ આમતેમ ભાગવા લાગ્યા. આ દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ એકબીજા નીચે દબાઈ ગયા. પ્રશાસનની ટીમ બચાવ અભિયાન ચલાવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં જે મૃતકોની ઓળખ થઈ છે તેમાં મધુબાલા દેવી (પતિ નિરંજન કુમાર સિંહ, બડહિયા), મનમાલા દેવી (પતિ નિરંજન કુમાર, બડહિયા), રિંકુ દેવી (પતિ નીરજ યાદવ, સફિયા સરાય મુંગેર), હેમલતા દેવી (પતિ સુરેન્દ્ર યાદવ પ્રતાપપુર હલસી લખીસરાય) નો સમાવેશ થાય છે.
ઘાયલોમાં સાત મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાં મૌસમ કુમારી (પિતા લલન રામ લક્ષ્મીપુર), મુસ્કાન કુમારી (લલન રામ, વિદ્યાપીઠ ચોક), મમતા દેવી (પતિ ધારો યાદવ, ચનનિયા લખીસરાય), વિમલા દેવી (પતિ વિનોદ રામ, મોકામા), રીના કુમારી (પતિ રાજેશ સિંહ, બભંગામા લખીસરાય), શિવાની કુમારી (પિતા રામેશ્વર રામ, ફરીદાબાદ લખીસરાય), કબીલા દેવી (બાઢ) નો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, લખીસરાયના અશોકધામની ઘટના અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. શ્રદ્ધાળુઓના મૃત્યુના સમાચારથી મન વ્યથિત છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ છે. તેમણે કહ્યું કે ઘાયલોની યોગ્ય અને તાત્કાલિક સારવાર માટે પ્રશાસનને જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અને ઘાયલોને ઝડપથી સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે.
જિલ્લા કલેક્ટર શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે, સવારે 6:30 વાગ્યાની ઘટના છે. આ ઘટના અશોક ધામ સ્ટેશનથી મંદિર તરફ જતા રસ્તા પર બની હતી. અહીં રાત્રે વીજળીનો થાંભલો પડી ગયો હતો. 17 ઓગસ્ટની સવારે જ્યારે શ્રદ્ધાળુઓ મંદિરમાં જળાભિષેક કરવા પહોંચ્યા, ત્યારે કોઈએ વીજળીના થાંભલામાં કરંટ હોવાની અફવા ફેલાવી દીધી. જેના કારણે નાસભાગ મચી ગઈ.
હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ