
ભાવનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગરમાં ભેળસેળયુક્ત આલ્કોહોલના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ સર ટી હોસ્પિટલની મુલાકાત લઈ અસરગ્રસ્તોની સારવારની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે જિલ્લાના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી ઘટનાની સમગ્ર સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
બેઠક દરમિયાન અસરગ્રસ્તોની આરોગ્ય સ્થિતિ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, મૃત્યુ પામેલા તેમજ સારવાર બાદ રજા અપાયેલા વ્યક્તિઓની વિગતો મેળવવામાં આવી હતી. અસરગ્રસ્તોને સમયસર અને યોગ્ય તબીબી સારવાર મળી રહે તેમજ દર્દીઓની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા આરોગ્ય તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી.
નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કુલ ૪૪ અસરગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમાંથી ૨૯ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે ૧૩ અસરગ્રસ્તોના દુઃખદ મૃત્યુ થયા છે. હાલ બે અસરગ્રસ્તોની સારવાર ચાલુ છે. સર ટી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ડાયાલીસીસ સહિતની જરૂરી સારવાર માટે તબીબોની ટીમ કાર્યરત છે. સારવાર માટે જરૂરી ઇન્જેક્શનની વ્યવસ્થા મહારાષ્ટ્રમાંથી કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઘટનાની તપાસ પોલીસ તંત્ર અને એસએમસી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાના દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસએમસીને તપાસ સોંપી હતી. પોલીસ વિભાગના દોષિત કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય, સર ટી હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ કેરવીબેન દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA