
સોમનાથ 24 ઓગસ્ટ (હિ.સ.) પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. શિવભક્તોની અપાર શ્રદ્ધા અને ઉત્સાહ વચ્ચે, સોમનાથ ટ્રસ્ટની પ્રાચીન અને ભવ્ય પ્રણાલિકા અનુસાર આજે સોમનાથ મહાદેવની વિશેષ પાલખી યાત્રાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે, સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપ શિવલિંગને ફૂલોથી સુશોભિત પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પૂજન બાદ પરંપરાગત રીતે પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ભક્તિમય વાતાવરણ અને ભક્તોનો ઉત્સાહ
ઢોલ, શરણાઈ અને ડમરુંના મંગળ ધ્વનિ તથા 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદ સાથે નીકળેલી આ ભવ્ય પાલખી યાત્રામાં અદભુત શિવભક્તિનો નજારો જોવા મળ્યો હતો. યાત્રાના દર્શન માત્રથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ