
- સંમેલનનો મુખ્ય વિષય:‘સમાનં વ્રતં સહ ચિત્તમ્’ અર્થાત – ‘સમાન સંકલ્પ, સામૂહિક
અમદાવાદ,25 ઓગસ્ટ (હિ.સ.) વિશ્વ હિન્દુ સમુદાયનું સૌથી મોટું વૈશ્વિક મંચ, વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ, આ વર્ષે ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં આયોજિત થશે. 18, 19 અને 20 ડિસેમ્બર 2026 ના રોજ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાનારા આ સંમેલનનો વિષય છે ‘સમાનં વ્રતં સહ ચિત્તમ્’ એટલે કે સમાન સંકલ્પ અને સામૂહિક દ્રઢતા. આ મહાસંમેલનમાં ભારત અને વિશ્વના ખૂણેખૂણેથી હિન્દુ નેતાઓ, વિચારકો, ઉદ્યોગસાહસિકો, નીતિ-નિર્માતાઓ, શિક્ષણવિદો, પત્રકારો અને સામાજિક કાર્યકરો એકત્રિત થશે. તેમની વચ્ચે ધર્મ, સંસ્કૃતિ અને સમાજના પુનરુત્થાન પર ગહન મંથન કરવામાં આવશે.
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026 માં સાત સમાંતર વિષયો પર સંમેલનો યોજાશે: વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ, હિન્દુ એજ્યુકેશન કોન્ફરન્સ, હિન્દુ મીડિયા કોન્ફરન્સ, હિન્દુ પોલિટિકલ કોન્ફરન્સ, હિન્દુ વુમન કોન્ફરન્સ, હિન્દુ યુથ કોન્ફરન્સ અને હિન્દુ ઓર્ગેનાઈઝેશનલ કોન્ફરન્સ. આ તમામ મંચ હિન્દુ સમાજની વિવિધતા, સર્જનાત્મકતા અને સાહસિકતાને નવી ઉર્જા આપશે.
આ અગાઉ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2023 નું આયોજન નવેમ્બર 2023 માં બેંગકોક, થાઈલેન્ડમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. અત્યાર સુધીના સંમેલનોમાં 60 થી વધુ દેશોના 6,500 થી વધુ પ્રતિભાગીઓએ સક્રિયપણે ભાગ લીધો છે.
અગાઉના સંમેલનોમાં પરમ પૂજનીય દલાઈ લામા, માતા અમૃતાનંદમયી, RSS સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, નાણામંત્રી નિર્મલા સીતારમણ, અજય પિરામલ અને ઇતિહાસકાર વિક્રમ સંપત જેવી અનેક વિભૂતિઓ ઉપસ્થિત રહી ચૂકી છે.
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના પ્રણેતા સ્વામી5 વિજ્ઞાનંદએ જણાવ્યું હતું કે, આજે હિન્દુ સમાજ પાછલી એક સદીની સરખામણીમાં વધુ દ્રશ્યમાન, સ્વીકાર્ય અને સન્માનનીય સ્થિતિમાં છે. હવે સમય આવી ગયો છે કે આપણે સંગઠિત થઈને, દ્રઢ સંકલ્પ સાથે હિન્દુ આકાંક્ષાઓને સાકાર કરીએ અને જે પડકારો આપણી એકતાની કસોટી કરે છે તેનો સામનો કરીએ
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026ના અધ્યક્ષ અજય પિરામલે જણાવ્યું હતું કે, વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ એક એવું મંચ છે જે હિન્દુ ચિંતનને વૈશ્વિક મહત્વકાંક્ષાઓ સાથે જોડે છે. આ ડિસેમ્બરમાં મુંબઈમાં અમે 60 થી વધુ દેશોના 4,500 થી વધુ પ્રતિભાગીઓ સાથે એકત્રિત થઈશું, જે આ આંદોલનની વધતી જતી વૈશ્વિક સ્વીકૃતિનું પ્રમાણ છે
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ2026 ના સહ-અધ્યક્ષ તરીકે વિષાદ મફતલાલ અને મહેશ ભાગચંદકાની નિમણૂક કરવામાં આવી છે. આ સંમેલન નેટવર્કિંગ, વિચારોના વિનિમય અને નક્કર કાર્ય યોજનાનું કેન્દ્ર બનશે. વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ એક વૈશ્વિક મંચ છે જે 'યતો ધર્મસ્તતો જયઃ' (જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે) ની ભાવનાથી સંચાલિત છે. દર ચાર વર્ષે યોજાતા આ મહાસંમેલનનું પ્રથમ ચરણ 2014 માં દિલ્હીથી શરૂ થઈ, 2018 માં શિકાગો અને 2023 માં બેંગકોક બાદ હવે 2026 માં મુંબઈમાં પોતાનો નવો અધ્યાય લખશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ