માનવતાની મિસાલ: બોટાદ 181 અભયમ ટીમે ભટકી ગયેલી મહિલાનું પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલન
બોટાદ, 30 ઓગસ્ટ (હિ.સ.)મુશ્કેલીની ઘડીએ મળેલો સમયસરનો સહારો કોઈના જીવનમાં આશાનું નવું કિરણ બની શકે છે. ગુજરાત સરકારની ‘181 અભયમ મહિલા હેલ્પલાઇન’ મહિલાઓ માટે સુરક્ષા, સહાય અને સંવેદનાનું માધ્યમ બની રહી છે. બોટાદ શહેરમાં રસ્તો ભૂલીને ભટકી ગયેલી મહિલાન
પરિવાર સાથે મિલન થયેલ મહિલા


બોટાદ, 30 ઓગસ્ટ (હિ.સ.)મુશ્કેલીની ઘડીએ મળેલો સમયસરનો સહારો કોઈના જીવનમાં આશાનું નવું કિરણ બની શકે છે. ગુજરાત સરકારની ‘181 અભયમ મહિલા હેલ્પલાઇન’ મહિલાઓ માટે સુરક્ષા, સહાય અને સંવેદનાનું માધ્યમ બની રહી છે. બોટાદ શહેરમાં રસ્તો ભૂલીને ભટકી ગયેલી મહિલાને 181 અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

બોટાદ સિટી વિસ્તારમાં એક મહિલા લાંબા સમયથી એકલી ભટકી રહી હતી. મહિલાની કફોડી સ્થિતિ જોઈ એક જાગૃત નાગરિકે 181 અભયમ હેલ્પલાઇન પર જાણ કરી હતી. માહિતી મળતા કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન ઓળકિયા અને પાયલોટ નરેન્દ્રભાઈ પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ટીમે મહિલાને હૂંફ અને વિશ્વાસ આપી વાતચીત શરૂ કરી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તેમનું મૂળ વતન છોટાઉદેપુર જિલ્લો છે અને તેઓ છેલ્લા એક વર્ષથી પતિ સાથે મજૂરીકામ માટે બોટાદ આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા બાદ રસ્તો ભૂલી જતાં તેઓ ભટકી ગયા હતા. તેમને પરિવારનો સંપર્ક નંબર કે બોટાદમાં તેઓ જ્યાં રહેતા હતા તે સ્થળનું ચોક્કસ સરનામું પણ યાદ નહોતું.

181 ટીમે મળેલી અધૂરી માહિતીના આધારે વિવિધ વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મહિલાને અચાનક પોતાની વાડી તરફ જવાનો રસ્તો યાદ આવ્યો. તેમના જણાવેલા માર્ગના આધારે ટીમે તપાસ આગળ વધારી અને અંતે વાડી તથા પરિવાર સુધી પહોંચી હતી.

મહિલાનું સુરક્ષિત રીતે પરિવાર સાથે પુનઃમિલન થતાં પરિવારજનોમાં આનંદ છવાયો હતો. પરિવારજનોએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande