
ભાવનગર, 30 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર શહેરમાં નોંધાયેલા ઇંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
પેરોલ ફર્લો સ્કવોડનો પોલીસ સ્ટાફ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં નોંધાયેલા ઇંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા-ફરતા આરોપી શંકરસિંહ ગૌતમસિંહ સિસોદીયા હાલમાં અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહે છે.
બાતમીના આધારે પોલીસ ટીમે અમદાવાદ ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચાંદખેડા પોલીસ સ્ટેશનની પાછળ આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-10માંથી આરોપી શંકરસિંહ ગૌતમસિંહ સિસોદીયા, ઉંમર 40 વર્ષ, મૂળ અડવાસ ગામ, તાલુકો સરાડા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આરોપી હાલ અમદાવાદમાં ડ્રાઇવિંગના વ્યવસાય સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીને ઝડપી પાડી જરૂરી કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
આરોપી સામે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુના હેઠળ ગુ.ર.નં. 651/2017 નોંધાયેલ છે. જેમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 116(બી), 81 અને 98(ઘ) મુજબ ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
નવ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવાની કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA