
નવી દિલ્હી, 08 ઓગસ્ટ (હિ.સ.) 'ધ ડિપ્લોમેટ'ની સફળતા બાદ અભિનેતા જ્હોન અબ્રાહમ અને દિગ્દર્શક શિવમ નાયર, ફરી એકવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. બંનેની જોડી હવે એક મોટા બે-હીરો એક્શન થ્રિલર માટે હાથ મિલાવી રહી છે. ફિલ્મમાં જોરદાર એક્શન અને રોમાંચ જોવા મળશે. જોકે, પ્રોજેક્ટની વાર્તા અને બીજા મુખ્ય અભિનેતાનું નામ હાલ ગુપ્ત રાખવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, જ્હોને ફિલ્મનો કન્સેપ્ટ પસંદ આવ્યો અને તેમણે તરત જ આ પ્રોજેક્ટ માટે હા પાડી દીધી. નિર્માતાઓ આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ કરવાની અને 2027ના અંત સુધીમાં ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવાની તૈયારીમાં છે.
જ્હોન અને શિવમ નાયરની અગાઉની ફિલ્મ 'ધ ડિપ્લોમેટ'ને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં જ્હોને ભારતીય રાજદૂત જે.પી. સિંહનો પાત્ર ભજવ્યો હતો, જેના માટે તેમના ગંભીર અને દમદાર અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. ફિલ્મની વાર્તા એક ભારતીય યુવતીને પાકિસ્તાનથી પાછી લાવવાના પ્રયાસો પર આધારિત હતી. 'ધ ડિપ્લોમેટ'ની સફળતા બાદથી જ જ્હોન અને શિવમ નાયર એક નવા પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી રહ્યા હતા અને અંતે આ એક્શન થ્રિલરને ફાઇનલ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ શિવમ નાયરના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી કોમર્શિયલ ફિલ્મ હશે. દિગ્દર્શક 'નામ શબાના', 'સ્પેશિયલ ઑપ્સ' અને 'મુખબિર' જેવા પ્રોજેક્ટ્સ માટે જાણીતા છે.
બીજી તરફ, જ્હોન અબ્રાહમ પાસે પહેલેથી જ અનેક મોટા પ્રોજેક્ટ્સ છે. તેઓ ભાવ ધુલિયાના દિગ્દર્શનમાં બની રહેલી 'ફોર્સ 3'માં હર્ષવર્ધન રાણે સાથે જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ અંતિમ તબક્કામાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તેની રિલીઝ 19 માર્ચ 2027ના રોજ પ્રસ્તાવિત છે. ઉપરાંત, જ્હોન રોહિત શેટ્ટીની 'આઈપીએસ મારિયા'માં પણ જોવા મળશે, જે પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર રાકેશ મારિયાના જીવનથી પ્રેરિત છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, શિવમ નાયર સાથે જ્હોનની નવી એક્શન થ્રિલર તેમના વ્યસ્ત લાઇનઅપમાં વધુ એક મોટો પ્રોજેક્ટ ઉમેરશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ