

કચ્છ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) કચ્છ જિલ્લામાં સરકારી આરોગ્ય સેવાઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેને વધુ અસરકારક અને લોકલક્ષી બનાવવાના હેતુથી જિલ્લા પંચાયતના સમિતિ ખંડ ખાતે તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરો માટે તાલીમ-સહ-સમીક્ષા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કાર્યશાળામાં આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમોની પ્રગતિ, લક્ષ્યાંકો અને આગામી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીએ આરોગ્ય વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલા રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાના વિવિધ કાર્યક્રમોની કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી સમયસર અને ગુણવત્તાસભર રીતે પહોંચે તે માટે આયોજનબદ્ધ કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યશાળા દરમિયાન RCHO, QMO, ADHO અને EMO સહિતના અધિકારીઓએ તેમના હસ્તકના કાર્યક્રમોની સ્થિતિ રજૂ કરી હતી. વિવિધ યોજનાઓમાં થયેલી પ્રગતિ, નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવાની સ્થિતિ, કામગીરી દરમિયાન ઊભા થતા પ્રશ્નો અને તેના ઉકેલો અંગે અધિકારીઓ વચ્ચે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
સમીક્ષા દરમિયાન બિનચેપી રોગોનું નિયંત્રણ, કુટુંબ કલ્યાણ, સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ, TeCHO+, સક્ષમ પોર્ટલ, AAM Footfall, PM-JAY, NQAS અને કાયાકલ્પ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિશેષ ચર્ચા થઈ હતી. સાથે જ રોગચાળાની દેખરેખ માટે IDSP અને IHIP, પીવાના પાણીના ક્લોરિનેશન, વાહકજન્ય રોગોના નિયંત્રણ, માતા અને બાળ આરોગ્ય તથા રસીકરણ કાર્યક્રમોની કામગીરીનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
કિશોર આરોગ્ય માટે RKSK અને બાળકોના આરોગ્ય માટે RBSK જેવી યોજનાઓની કામગીરી અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અંતિમ સત્રમાં NTEP, રક્તપિત્ત તથા HIV-AIDS નિયંત્રણ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ટીબી અધિકારી ડૉ. મનોજ દવેએ ‘ટીબી મુક્ત કચ્છ’ના લક્ષ્યાંકને સાકાર કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત Financial અને HMIS સંબંધિત કામગીરી અંગે પણ અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય PHC, UPHC અને તાલુકા કક્ષાની આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા વધારવાની સાથે સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ કચ્છના છેવાડાના નાગરિકો સુધી વધુ સુવ્યવસ્થિત અને અસરકારક રીતે પહોંચાડવાનો રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar