વરસાદ ખેંચાતા ભાવનગરના ખેડૂતોની ચિંતા વધી, મગફળી-કપાસ સુકાવાની આરે, ઘાસચારાની પણ ચિંતા
ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા 40થી 45 દિવસથી સારો વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ મગફળી, કપાસ, તલ સહિતના ખરીફ પાકનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં અનુકૂળ વરસાદ મ
ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો


ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા 40થી 45 દિવસથી સારો વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ મગફળી, કપાસ, તલ સહિતના ખરીફ પાકનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં અનુકૂળ વરસાદ મળતાં પાકનો ઉગાવો સારો રહ્યો હતો, પરંતુ હવે વરસાદ ખેંચાતા જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

વરસાદના અભાવે ખાસ કરીને વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક ખેડૂતો સિંચાઈના સાધનો દ્વારા પાકને પાણી આપી રહ્યા છે, પરંતુ કુવા અને બોરમાં પણ પૂરતું પાણી ન હોવાથી મુશ્કેલી વધી છે. સાથે પાવર સપ્લાયનો પ્રશ્ન પણ ખેડૂતો માટે પડકારરૂપ બન્યો છે.

ખેડૂત જીતુભાઈ બલદાણીયાએ જણાવ્યું હતું કે, વાવણી સમયે સારો વરસાદ થયો હતો, જેના કારણે પાકનો ઉગાવો સારો આવ્યો હતો. પરંતુ ત્યારબાદ લાંબા સમયથી વરસાદ ન પડતાં મગફળી અને કપાસનો પાક સુકાવા લાગ્યો છે. અત્યાર સુધી વિઘા દીઠ અંદાજે રૂ.20 હજાર જેટલો ખર્ચ થયો છે અને હવે નુકસાનની ભીતિ સતાવી રહી છે.

ખેડૂત કનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, 45 દિવસથી સારો વરસાદ ન થતાં પાક સુકાઈ રહ્યો છે. કુવા-બોરમાં પણ પૂરતું પાણી ન હોવાથી પાકને પિયત આપી શકાતું નથી.

ખેડૂત અશોકભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે, વરસાદના અભાવે ખેતીની સાથે પશુઓના ઘાસચારાની પણ ચિંતા ઊભી થઈ છે. મગફળીનો પાક સુકાઈ જતા પશુઓ માટે પાલો પણ પૂરતો મળી શકે તેમ નથી. ખેડૂતો હવે મેઘરાજા વહેલી તકે મહેર કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande