ઓર્ગન ડોનેશનમાં ગુજરાત દેશમાં મોખરે, સુરતનો હિસ્સો પણ ગૌરવ સમાન: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા
સુરત જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કુલ 2,645 ચક્ષુદાન પ્રાપ્ત થયા; એક કીકીના દાનથી હવે 3થી 4 વ્યક્તિને દૃષ્ટિ મળી શકે છે
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા (File Photo)


સુરત, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેની સાથે સુરત જિલ્લો પણ ગુજરાતમાં અગ્રેસર છે. રાજ્યમાં થયેલા કુલ ચક્ષુદાનમાંથી આશરે 23 ટકા ચક્ષુદાન એકલા સુરત જિલ્લામાંથી મળ્યા છે, જે ગૌરવની બાબત છે, તેમ વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, ગુજરાતની સિવિલ હોસ્પિટલ અમદાવાદ, કિડની હોસ્પિટલ અમદાવાદ અને સિવિલ હોસ્પિટલ સુરતને અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ નવી દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવી હતી.

સુરતની સરકારી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024-25માં 152 અને વર્ષ 2025-26માં 118 ચક્ષુદાન મળ્યા હતા. સ્મિમેર હોસ્પિટલમાં અનુક્રમે 47 અને 32, દિવ્ય ચક્ષુ આઈ બેંકમાં 493 અને 498 તથા લોકદ્રષ્ટિ ટ્રસ્ટમાં 776 અને 529 ચક્ષુદાન મળ્યા હતા. આમ, આ સંસ્થાઓને 2024-25માં કુલ 1,468 અને 2025-26માં 1,177, એટલે કે 2 વર્ષમાં કુલ 2,645 ચક્ષુદાન પ્રાપ્ત થયા છે.

મંત્રી પાનશેરિયાએ જણાવ્યું કે, અગાઉ એક કીકીનો ઉપયોગ માત્ર એક દર્દી માટે થઈ શકતો હતો. પરંતુ આધુનિક ટેકનોલોજીથી કોર્નિયાના જરૂરી સ્તરને અલગ કરીને પ્રત્યારોપણ કરી શકાય છે. તેથી હવે એક કીકીના દાનથી 3થી 4 વ્યક્તિની દૃષ્ટિહીનતા દૂર કરી શકાય છે.

મૃત્યુ બાદ 6 કલાક સુધી ચક્ષુદાન કરી શકાય છે. નવી આઈ બેંક શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 40 લાખ સુધીની ગ્રાન્ટ અને દરેક ચક્ષુદાન સ્વીકારવા માટે રૂ. 2,000ની ગ્રાન્ટ આપવામાં આવે છે.

દેશમાં અંદાજે 1થી 1.5 લાખ દર્દીઓને કોર્નિયા પ્રત્યારોપણની જરૂરિયાત છે, જ્યારે દર વર્ષે માત્ર 55થી 60 હજાર કોર્નિયા મળે છે. તેથી ચક્ષુદાન અંગે વધુ જાગૃતિ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

અંગદાન અને અંગ પ્રત્યારોપણની સમગ્ર પ્રક્રિયા NOTTO અને SOTTOના નિયમો મુજબ સોફ્ટવેર આધારિત અને પારદર્શક રીતે થાય છે. તેમાં વ્યક્તિગત ભલામણ કે લાગવગને કોઈ સ્થાન નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, જન્મજાત કોર્નિયા સંબંધિત અંધત્વ ધરાવતા બાળકોની સારવાર શક્ય છે. તેમજ કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલા 612 બાળકોના સોફ્ટવેર અપગ્રેડ માટે રાજ્ય સરકારે બાળક દીઠ રૂ. 3 લાખનો વધારાનો ખર્ચ મંજૂર કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande