
ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.)ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી તેમજ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે તા. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ભાવનગરમાં વિવિધ સેવાકીય, આરોગ્ય અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ચિત્રા ખાતે મસ્તરામ આશ્રમમાં સવારે 9થી 12 વાગ્યા સુધી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને સેવા સેતુ કેમ્પ યોજાશે. સર તખ્તસિંહજી હોસ્પિટલ, સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક કોલેજ અને શ્રી તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલના તબીબો દ્વારા વિવિધ રોગોની તપાસ અને સારવાર કરવામાં આવશે. જરૂરિયાતમંદોને આયુર્વેદિક દવાઓ તેમજ નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરાશે.
અટલ ઓડિટોરિયમ, મોતીબાગ ટાઉન હોલ ખાતે સવારે 10થી 12 દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અનાથ અને દિવ્યાંગ બાળકોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવશે. સાથે શહેરની વિવિધ આઠ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા કુલ 1,417 દિવ્યાંગ બાળકો, વૃદ્ધજનો અને લાભાર્થીઓ માટે ભોજન સમારંભ યોજાશે.
આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાને રૂ. 9.40 કરોડના વિકાસલક્ષી કામો અને સાધનો અર્પણ કરવામાં આવશે. રૂ. 9 કરોડના ખર્ચે નવનિર્મિત સિવિક સેન્ટરનું ખાતમુહૂર્ત કરાશે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 20 લાખના ખર્ચે તૈયાર કરાયેલી શબવાહિની અને રૂ. 20 લાખના ખર્ચે પાણી માટેના ટ્રેક્ટર-ટેન્કરની ચાવી મહાનગરપાલિકાને સોંપાશે.
મુખીની વાડી, ચિત્રા ખાતે 850 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાશે તેમજ સદભાવના ટ્રસ્ટના વિજયભાઈ ડોબરિયાનું વિશેષ સન્માન કરવામાં આવશે. કાર્યક્રમોમાં રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA