

- મોટાં સપનાં જુઓ, લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને દેશનું ગૌરવ વધારો : પૂર્વ એર ચીફ માર્શલ વિવેકરામ ચૌધરી
- એવિએશન એટલે માત્ર પ્લેન ઉડાડવું નહીં, ભવિષ્યનું નિર્માણ કરવું : નાગરિક ઉડ્ડયન વિભાગના કમિશનર કિશોર બચાણી
- સમગ્ર રાજ્યના 3,000થી વધુ વિદ્યાર્થીઓએ તજ્જ્ઞો પાસેથી ઉડ્ડયન ક્ષેત્રે રહેલી કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન મેળવ્યું
અમદાવાદ,11 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ અને ડ્રીમવેટર પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ‘ASPIRE 2026 – Aviation Skill Progress & Industry Readiness in Education’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંરક્ષણ, નાગરિક ઉડ્ડયન, એરોસ્પેસ, નિયમન અને ઉદ્યોગ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિષ્ઠિત વક્તાઓ તેમજ ઉડ્ડયન ક્ષેત્રના તજ્જ્ઞોએ વિદ્યાર્થીઓને કારકિર્દીની તકો, જરૂરી લાયકાતો, કૌશલ્યો, પ્રવેશના માર્ગો, તાલીમની આવશ્યકતાઓ અને કારકિર્દીમાં પ્રગતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પૂર્વ એર ચીફ માર્શલ વિવેકરામ ચૌધરીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું કે, આપણે સૌએ
બાળપણમાં કાગળનાં વિમાન બનાવીને ઉડાડ્યાં છે, જે આકાશને આંબવાની આપણી પ્રથમ આકાંક્ષા હતી. ઉડ્ડયન ક્ષેત્રે છેલ્લાં 120 વર્ષમાં અદભુત પ્રગતિ કરી છે. ભારતીય વાયુસેનામાં માત્ર પાઇલટ જ નહીં, પરંતુ એન્જિનિયર્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને લોજિસ્ટિક્સ જેવાં અનેક ક્ષેત્રોમાં દેશસેવાની ઉત્તમ તકો રહેલી છે.
તેમણે જણાવ્યું કે, ‘વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર કરવા માટે યુવાનોનું યોગદાન અત્યંત મહત્ત્વનું છે. સફળતાની ચાવીરૂપ ત્રણ બાબતો—સક્ષમતા, પ્રતિબદ્ધતા અને ચારિત્ર્ય—પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને હંમેશાં મોટાં સપનાં જોવા, લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને દેશનું ગૌરવ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે સૌનું સ્વાગત કરતાં નાગરિક ઉડ્ડયન વિભાગના કમિશનર કિશોર બચાણીએ
જણાવ્યું કે, એવિએશન એટલે માત્ર પ્લેન ઉડાવવું જ નથી, પરંતુ એન્જિનિયર્સ, ટેકનિશિયનો અને એરોસ્પેસ નિષ્ણાતો દ્વારા ભવિષ્યનું નિર્માણ કરવું છે. આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027માં પણ એરોસ્પેસ ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થિનીઓને બિરદાવતાં તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં સ્ત્રી નેતૃત્વને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. માત્ર ઉડવાનું જ નહીં, પરંતુ ઉડાન શક્ય બને તેવું ભવિષ્ય બનાવવાનું સ્વપ્ન જોવા માટે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, શિક્ષણ કૌશલ્ય લાવશે અને કૌશલ્ય નવી તકોનું સર્જન કરશે. આ દિશામાં આ પ્રકારના કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન યોજાયેલા વિવિધ સેશનમાં વિદ્યાર્થીઓને પાઇલટની કારકિર્દી ઉપરાંત
એરલાઇન્સ, એરપોર્ટ્સ, એરોસ્પેસ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરહોલ (MRO), એર ટ્રાફિક મેનેજમેન્ટ, ગ્રાઉન્ડ ઓપરેશન્સ, એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિયમન અને સંરક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે જાણકારી આપવામાં આવી હતી.આ ઉપરાંત, એર ઇન્ડિયા, ઇન્ડિગો અને એતિહાદ એરવેઝના વરિષ્ઠ વ્યાવસાયિકોએ પણ પોતાના અનુભવો અને વિચારો વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ‘ASPIRE 2026’ જેવાં આયોજનો દ્વારા રાજ્યના યુવાનોને ઝડપથી વિકસી રહેલા ઉડ્ડયન ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની વિશાળ તકો અંગે સમજણ આપી, શિક્ષણ, કૌશલ્ય અને વ્યાવસાયિક કારકિર્દીમાં મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે. આ પહેલ દ્વારા રાજ્યમાં ઉડ્ડયન અને એરોસ્પેસ ઇકોસિસ્ટમ માટે કુશળ અને ઉદ્યોગ માટે તૈયાર માનવબળ વિકસાવવાનો અભિગમ દર્શાવવામાં આવ્યો છે.
આ પ્રસંગે એર વાઇસ માર્શલ જી.એસ. ભુલ્લર, દીપક કપૂર, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (MADC), GUJSAILના સીઈઓ વિજય પટેલ, માતંગ કુમાર નિમાવત, ડ્રીમવેટર પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અને ફાઉન્ડર પ્રભુ અગ્રવાલ સહિતના મહાનુભાવો તેમજ ગુજરાતભરમાંથી 3000 થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો, શિક્ષકો, ઉડ્ડયન ક્ષેત્રના વ્યાવસાયિકો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ