

અમદાવાદ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા 11 સપ્ટેમ્બર 2026ના રોજ NID દિલ્હી સેન્ટર ખાતે TV BRICS સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ MoUનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના સર્જનાત્મક કાર્યોને પ્રોત્સાહન અને પ્રસાર આપવાનો તેમજ મીડિયા, ફિલ્મ, ડિઝાઇન અને વિઝ્યુઅલ કમ્યુનિકેશન ક્ષેત્રે શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન તથા સંયુક્ત શૈક્ષણિક અને સાંસ્કૃતિક પહેલોને આગળ વધારવાનો છે.
NID અમદાવાદના ડિરેક્ટર ડૉ. અશોક મોંડલે NID તરફથી આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે
“નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ અને TV BRICS વચ્ચે આ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર થવા એ BRICSના મીડિયા ક્ષેત્રમાં ડિઝાઇન ડિપ્લોમસી (Design Diplomacy)ને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ભારત 18મા BRICS શિખર સંમેલનની યજમાની કરી રહ્યું છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે BRICSનું અધ્યક્ષપદ સંભાળ્યું છે, ત્યારે આ ક્ષણનું વિશેષ મહત્વ છે. આ ભાગીદારી માનનીય વડાપ્રધાનના ‘Design in India, Design for the World’ના આહ્વાનને સીધી રીતે સાકાર કરે છે.
TV BRICSની વૈશ્વિક પહોંચ અને પ્રસારણ ક્ષમતાના માધ્યમથી NIDના ફિલ્મ એન્ડ વીડિયો કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓની અસાધારણ વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ, ફિલ્મો અને ડિઝાઇન સંશોધનને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાની અમને ખૂબ ઉત્સુકતા છે. સાથે જ BRICS નેટવર્કના વિવિધ દેશોમાં બનેલી ફિલ્મ કૃતિઓનું NID અમદાવાદ ખાતે સ્વાગત અને સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.
આ પરસ્પર આદાન-પ્રદાન શિક્ષણ, સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રોમાં સહયોગ પ્રત્યેની અમારી સંયુક્ત પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે અને વિશ્વભરના સર્જનાત્મક સમુદાયો વચ્ચે ટકાઉ સંબંધો વિકસાવવામાં મદદરૂપ થશે. NID અમદાવાદ આ ભાગીદારીનો ઉપયોગ આંતરસાંસ્કૃતિક સંવાદને વધુ ગાઢ બનાવવા, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના નેટવર્કનું નિર્માણ કરવા તથા BRICSના સભ્ય દેશોના ફિલ્મ નિર્માતાઓ, સંશોધકો અને ફેકલ્ટી માટે પરિવર્તનકારી તકો ઊભી કરવા માટે કરશે.”
આ પ્રસંગે TV BRICS તરફથી TV BRICSના CEO અને એડિટર-ઇન-ચીફ જન્ના ટોલ્સ્ટિકોવા, ઇન્ટરનેશનલ કોઓપરેશન ડિવિઝનના ડિરેક્ટર એલેક્ઝાન્ડ્રા બર્મન તેમજ સાઉથ એશિયા અને મિડલ ઈસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ એવ્જેની મિશિન ઉપસ્થિત રહ્યા હતા.
NID અમદાવાદ તરફથી ફર્નિચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનના ડિસિપ્લિન લીડ એન્ડ્રિયા નોરોન્હા તેમજ ડિરેક્ટરની ઓફિસના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જસ્વિની બેટ ઉપસ્થિત રહ્યા હતા.
TV BRICS ચેનલ/પ્રોગ્રામ્સનું નેટવર્ક છ ભાષાઓમાં કાર્યરત છે અને ફિલ્મ તથા ટેલિવિઝનની ભાષા દ્વારા BRICS+ દેશોની વૈશ્વિક છબીને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ નેટવર્ક વિવિધ દેશોની રાષ્ટ્રીય મીડિયા કંપનીઓ અને ફિલ્મ નિર્માતાઓ વચ્ચે વ્યાવસાયિક વિડિયો કન્ટેન્ટના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપે છે.
TV BRICS નેટવર્ક રશિયન, અંગ્રેજી, ચાઇનીઝ, પોર્ટુગીઝ, સ્પેનિશ અને અરબી સહિતની અનેક ભાષાઓમાં પ્રસારણ કરે છે. નેટવર્ક દ્વારા રાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ વચ્ચે સમાચાર, ડોક્યુમેન્ટરી ફિલ્મો અને વિવિધ સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સનું આદાન-પ્રદાન કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ