જામનગર મનપા એક્શનમાં: બાકી મિલકતવેરા વસૂલાત માટે 7 મિલકતો સીલ, 45.55 લાખની રિકવરી
જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત અર્થે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીનો વેરો બાકી હોવા છતાં વોરંટ અને અનુસૂચીની બજવણી બાદ પણ ભરપાઈ ન કરનારા મિલકતધારકો સામે તંત્
મિલકત સીલ


જામનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત અર્થે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીનો વેરો બાકી હોવા છતાં વોરંટ અને અનુસૂચીની બજવણી બાદ પણ ભરપાઈ ન કરનારા મિલકતધારકો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

૧૧ સપ્ટેમ્બર શુક્રવારે મનપાની ટીમે ૨૦ મિલકતોની સ્થળ મુલાકાત લઈને ૭ મિલકતોને સીલ કરી દીધી હતી. આ કડક ઝુંબેશ અંતર્ગત સીલિંગ ઉપરાંત સ્થળ પરની વસૂલાત અને ચેક મેળવીને કુલ રૂ. ૪૫.૫૫ લાખની રકમ આવરી લેવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન ૭ મિલકતો સીલ કરીને રૂ. ૧૩.૫૦ લાખની બાકી રકમ સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા. આ સિવાય બે મિલકતધારકો પાસેથી સ્થળ પર જ રૂ. ૩.૭૩ લાખની રોકડ/બાકી રકમ વસૂલવામાં આવી હતી. અન્ય ૧૧ મિલકતધારકો પાસેથી રૂ. ૨૮.૩૪ લાખના ડેટેડ ચેક સ્વીકારીને વસૂલાત સુનિશ્ચિત કરવામાં આવી હતી.

કમિશનરની સૂચના અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ ઝુંબેશ બાદ તંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ બાકી વેરો ન ભરનારાઓ સામે આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. તેથી તમામ મિલકતધારકોને સીલિંગ જેવી આકરી કાર્યવાહીથી બચવા માટે પોતાનો બાકી મિલકતવેરો તાત્કાલિક ભરી દેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande