
ભાવનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના આગમનથી લોકોમાં રાહત જોવા મળી હતી, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.
ભાવનગર શહેરમાં આશરે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ઘોઘામાં સાડા 3 ઇંચ, તળાજામાં પોણા 2 ઇંચ અને સિહોરમાં આશરે 1 ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
લાંબા સમયથી વરસાદના વિરામને કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખાસ કરીને વાવેતર કરાયેલા પાકને પૂરતા વરસાદની જરૂરિયાત હોવાથી ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન જિલ્લામાં પડેલા વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી છે. ખેતરોમાં વાવેતર કરાયેલા પાકને આ વરસાદથી ફાયદો થવાની આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી વરસાદી માહોલ વધુ ઘેરો બન્યો હતો. જિલ્લામાં ફરી વરસાદી વાતાવરણ સર્જાતા આગામી દિવસોમાં પણ વરસાદની આશા ખેડૂતો રાખી રહ્યા છે. લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી ખેતી માટે અનુકૂળ સ્થિતિ ઊભી થવાની સંભાવના વચ્ચે, ખેડૂતોમાં આશાનું વાતાવરણ જોવા મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA